<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

બજરંગવાડીમાં નમકીનના ગોડાઉન અને ઉપર આવેલા ભાડુઆતના મકાનમાંથી ૫૩૯૦૦ની ચોરી

ગોડાઉન માલિક રેલનગરના પ્રજેશભાઇ મશરૂની ફરિયાદઃ ગોડાઉનમાંથી ૧૫ હજાર રોકડા, ભાડૂઆત ગોૈરાગભાઇના ઘરમાંથી રોકડ-દાગીના મળી ૨૮૯૦૦ની મત્તા ગઇ

રાજકોટ તા. ૧૨: શહેરમાં તસ્‍કરોએ ફરી ઉપાડો લીધો છે. બજરંગવાડીમાં નમકીનનું ગોડાઉન ધરાવતાં વેપારીના ગોડાઉન અને તેની ઉપર આવેલા વેપારીના ભાડુઆતના મકાનને નિશાન બનાવી તસ્‍કરો અડધા લાખથી વધુની માલમત્તા ચોરી ગયા છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર શીવાલીક ચોક દ્વારીકા વિલેજ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૨માં રહેતાં પ્રજેશભાઇ શૈલેષભાઇ મશરૂ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદી પ્રજેશભાઇ મશરૂ બજરંગવાડી પુનીત નગર મેઈન રોડ પર પોતાનું બીજું મકાન ધરાવે છે, જેના નીચેના માળે તેઓ નમકીનનો સામાન રાખવાનું ગોડાઉન ચલાવે છે. આ મકાનના ઉપરના માળે ગૌરાંગભાઈ રામાવત નામના શખ્‍સ છેલ્લા બે વર્ષથી ભાડે રહે છે. ગોૈરાંગભાઇ હાલમાં વીસેક દિવસથી તેનું મકાન બંધ કરી જામનગર વતનમાં ગયા હતાં. ગત તા. ૦૩/૦૫/૨૦૨૬ના રોજ બપોરે વેપારી ગોડાઉન બંધ કરી પોતાના ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે જ્‍યારે તેમના પિતા શૈલેષભાઇ ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે ગોડાઉન અને ઉપરના ભાડૂતના રૂમ બંનેના તાળા તુટેલી હાલતમાં જોવા મળ્‍યા હતા. તપાસ કરતા માલૂમ પડ્‍યું હતું કે ગોડાઉનમાં રાખેલા સ્‍ટીલના ડબ્‍બામાંથી રૂા.૧૫,૦૦૦ રોકડા ગાયબ હતા.

તેમજ તસ્‍કરોએ ઉપરના માળે રહેતા ભાડૂત ગૌરાંગભાઈના રૂમમાં પણ કબાટના લોક તોડી સામાન વેરવિખેર કરી નાખ્‍યો હતો.

ભાડૂતના જણાવ્‍યા મુજબ, તેમના રૂમમાંથી એક સોનાની વીંટી રૂા. ૧૯ હજારની, ચાંદીના નજરિયા, ચાંદીની કડલી અને પાયલ રૂા. ૯૯૦૦ના, ગલ્લામાં રાખેલા રોકડા ૫,૦૦૦ અને પર્સમાં રહેલા ૫,૦૦૦ મળી કુલ ૧૦,૦૦૦ રોકડા ચોરાઇ ગયા છે.  તસ્‍કરો ગોડાઉન અને ઉપર આવેલા ભાડુઆતના ઘરમાંથી મળી કુલ રૂા. ૫૩૯૦૦ની માલમત્તા ચોરી ગયા છે. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએઅસાઇ ટી. ડી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)