News of Monday, 23rd November 2026
શહેરમાં હવે ૪૦ ફૂટથી પહોળા રસ્તા સિમેન્ટના જ બનશે : નેહલ શુકલ
ડામરના રસ્તાને બદલે સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવાનું આયોજન શરૂ કરવા અધિકારીઓને સૂચનાઃ મનપાના બજેટમાંથી જ ખર્ચ કરાશે : લાભપાંચમથી ડામરકામો શરૂ થયા બાદ હવે સીસી રોડની કામગીરીને પણ વેગ અપાશેઃ મુખ્યમંત્રી અગાઉ આપી ચૂકયા છે સૂચનાઃ અંડરગ્રાઉન્ડ યુટિલિટી માટે પીજીવીસીએલ સાથે સંકલન

રાજકોટ, તા.૨૩: રાજકોટ શહેરમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને લાંબા સમય સુધી ટકી રહે તેવા માર્ગો બનાવવા માટે મહાનગરપાલિકાએ નવી દિશામાં આયોજન હાથ ધર્યું છે. શહેરમાં હવે ૪૦ ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રિટના જ બનાવવાની સૂચના મેયરે અધિકારીઓને આપી છે. આ માટે તાત્કાલિક આયોજન શરૂ કરવા અને મહાનગરપાલિકાના પોતાના બજેટમાંથી જ ખર્ચ કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં દર વર્ષે ચોમાસા બાદ ડામરના રસ્તાઓને નુકસાન થવાની અને રસ્તાઓના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવાની સમસ્યા વચ્ચે હવે લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે સિમેન્ટ કોંક્રિટ રોડને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે.
મેયરે અધિકારીઓને સૂચના આપી છે કે શહેરના ૪૦ ફૂટથી વધુ પહોળા માર્ગો ઉપર સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવાનું આયોજન શરૂ કરવામાં આવે. જ્યારે ૧૫ મીટરથી ઓછી પહોળાઈ ધરાવતા રસ્તાઓ ઉપર ડામરકામ કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓ બનાવવા અંગે અગાઉ મુખ્યમંત્રી દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી. હવે મેયરે આ દિશામાં કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને તાકીદ કરી છે.
લાભપાંચમથી શહેરમાં ડામરના રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ કરોડો રૂપિયાના ડામરકામોને મંજૂરી આપવામાં આવી છે. હવે ડામરના રસ્તાઓની કામગીરીની સાથે સિમેન્ટ કોંક્રિટ રોડના આયોજનને પણ વેગ આપવા સૂચના અપાઈ છે.
સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓ બન્યા બાદ વીજળી, પાણી, ગટર કે અન્ય અંડરગ્રાઉન્ડ યુટિલિટીના કામ માટે રસ્તાઓ ખોદવા ન પડે તે માટે પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે.
આ માટે પીજીવીસીએલ સાથે સંકલનની પ્રક્રિયા ચાલી રહી છે. મેયરે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને ભૂગર્ભ વીજલાઈનો સહિતની યુટિલિટી અંગે સંકલન સાધવા જણાવ્યું છે.
સિમેન્ટના રસ્તાઓ બનાવતાં પહેલાં જમીનની અંદર રહેલી વિવિધ યુટિલિટી લાઈનોની વિગતો મેળવી તેનું આયોજન કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં રસ્તા તોડવાની જરૂરિયાત ઓછી રહે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે રસ્તાઓની નીચે રહેલી ભૂગર્ભ યુટિલિટી લાઈનોની માહિતી મેળવવા માટે નવી ટેક્રોલોજીનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જમીનની અંદર પાંચ ફૂટ સુધી રહેલી વિવિધ યુટિલિટી લાઈનોનું સ્થાન અને ગોઠવણ જાણી શકાય તે માટે થ્રી-ડી ઈમેજ તૈયાર કરવાની કામગીરી પણ સોંપવામાં આવશે.
આ પ્રકારની થ્રી-ડી ઈમેજ ઉપલબ્ધ થવાથી રસ્તાની નીચે કઈ જગ્યાએ વીજલાઈન, પાણીની પાઈપલાઈન કે અન્ય યુટિલિટી આવેલી છે તેની માહિતી મળી શકશે. પરિણામે ભવિષ્યમાં સમારકામ કે નવી લાઈન નાખવાની કામગીરી વખતે બિનજરૂરી ખોદકામ ટાળી શકાશે.
સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓ ઉપર જ્યાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઈનો આવેલી હશે તેવા ચોક્કસ ભાગમાં પેવિંગ બ્લોક મૂકવાનું આયોજન કરવામાં આવશે.
આ વ્યવસ્થાથી ભવિષ્યમાં વીજળી, પાણી કે અન્ય લાઈનોના સમારકામ માટે આખો સિમેન્ટ રોડ તોડવાની જરૂર નહીં પડે. માત્ર પેવિંગ બ્લોક દૂર કરીને જરૂરી કામગીરી કરી શકાશે અને ત્યારબાદ ફરી બ્લોક ગોઠવી શકાશે.
મેયરની સૂચના બાદ હવે મહાનગરપાલિકાનું ઈજનેરી તંત્ર સિમેન્ટ કોંક્રિટ રોડ માટે કયા માર્ગોને પ્રાથમિકતા આપે છે અને કેટલા સમયમાં કામગીરી શરૂ કરે છે તે જોવાનું રહેશે. (૩.૧૬)
રસ્તા બનાવ્યા પછી ખોદકામનો ખર્ચ બચાવવાની કવાયત
રાજકોટઃ રસ્તાઓ બન્યા બાદ વિવિધ વિભાગોની યુટિલિટી કામગીરી માટે ફરી ખોદકામ કરવું પડતું હોવાની સમસ્યા સામે હવે આગોતરું આયોજન કરવામાં આવશે. સીસી રોડ બનાવતાં પહેલાં ભૂગર્ભ લાઈનોની વિગતો મેળવવી, પીજીવીસીએલ સાથે સંકલન કરવું અને યુટિલિટી ધરાવતા ભાગમાં પેવિંગ બ્લોક મૂકવા સહિતની વ્યવસ્થા ગોઠવાશે. આ આયોજનનો મુખ્ય હેતુ રસ્તાઓની આવરદા વધારવા સાથે વારંવાર થતા ખોદકામ અને સમારકામનો ખર્ચ ઘટાડવાનો છે.
(2:50 PM IST)










