News of Monday, 27th April 2026
રાજકોટના નિમેષ તન્નાનું કાળા-ધોળા નાણા મામલે પત્નિ, પુત્રી, મિત્ર લખન ઘેડીયા સાથે અપહરણઃ જામનગરમાં ગોંધી નાણા પડાવાયા
રૈયાધાર ડ્રીમસીટીમાં રહેતાં અને જ્યુબીલી પાસે એસબીઆઇ લાઇફ ઇન્સયુરન્સમાં બિઝનેસ ડેવલોપર્સ મેનેજર તરીકે નોકરી કરતાં યુવાને બ્લેકના વ્હાઇટ કરી દેવા જયદિપસિંહ જાડેજા પાસેથી ૨૭.૨૦ હજાર લઇ લીધા બાદ પાછા ન દેતાં ડખ્ખો : જામનગરના જયદિપસિંહ જાડેજાને બ્લેકના વ્હાઇટ કરવા હોઇ નિમેષે ૧ લાખનું ૭૦૦ રૂપિયા કમિશન નક્કી કરી ચિરાગ આહિર મારફત કામ રાખ્યું હતું: પણ નાણા અલગ અલગ ખાતામાં જમા થયા બાદ ઉપાડી લઇ કમિશન બાદ કરી પરત આપવાને બદલે નિમેષે ફોન જ બંધ કરી દીધોઃ ફોન ચાલુ થતાં ઉઘરાણી થવા માંડતાં પત્નિ, દિકરી, મિત્રને લઇ રાજકોટથી રવાના થઇ ગયોઃ ફલાઇટ પકડે એ પહેલા જામનગરના જયદિપસિંહ સહિતે પકડી લીધોઃ બે દિવસ બાદ પોલીસે મુક્ત છોડાવ્યોઃ આરોપીઓ સકંજામાં : કાર મારફત અમદાવાદ પહોંચી ત્યાંથી પત્નિ, પુત્રી, મિત્ર સાથે મુંબઇની ફલાઇટ પકડે એ પહેલા ચોટીલા પાસે આંતરી લેવાયોઃ ચોટીલાથી જામનગર લઇ જઇ ગોંધી રાખી પોણા દસ લાખ કઢાવ્યાઃ પછી નિમેષના પત્નિ, દિકરી, મિત્ર લખન ઘેડીયાને છોડી દીધાઃ બાકીની રકમ મળે પછી સોમવારે (આજે) નિમેષ છુટશે તેવી ધમકી દીધીઃ જામનગર સીટી-બી ડીવીઝન પોલીસની ટીમે જનતા ફાટક પાસેની ઓફિસમાંથી મુક્ત કરાવ્યો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તથા રાજકોટ તા.૨૭: શહેરમાં રૈયાધાર ડ્રીમસીટીમાં રહેતાં અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલોપર્સ મેનેજર તરીકે નોકરી કરતાં નિમેષ તન્ના નામના યુવાને જામનગરના જયદિપસિંહ જાડેજા પાસેથી બ્લેકના વ્હાઇટ રૂપિયા કરવા માટે રૂા. ૨૭ લાખ ૨૦ હજાર લીધા હોઇ અને ૧ લાખ રૂપિયાનું ૭૦૦ રૂપિયા કમિશન થશે તેમ કહી આ રકમ અલગ અલગ ખાતામાં નાંખી રોકડા ઉપાડી લીધા બાદ નક્કી થયા મુજબ આ વ્હાઇટની રકમ જયદિપસિંહને આંગડીયાથી જામનગર ન મોકલતાં અને નિમેષ પોતાની પત્નિ, ત્રણ વર્ષની પુત્રી, તેમજ મિત્ર લખન ઘેડીયાને લઇ કાર મારફત ડ્રાઇવર સાથે અમદાવાદથી મુંબઇથી ફલાઇટ પકડવા નીકળી જતાં આ લોકોની કારને ચોટીલા નજીક જામનગરના જયદિપસિંહ સહિતે આંતરી લઇ અપહરણ કરી લઇ ડ્રાઇવરને રાજકોટ ઉતારી બાકીના ચારેયને જામનગરમાં ગોંધી રાખી ધમકાવી રૂા. ૯.૭૫ લાખ પડાવી લીધા બાદ પણ નિમેષને બંધક બનાવી તેની પત્નિ, મિત્ર, દિકરીને છોડી મુકી વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખતાં જામનગર પોલીસને જાણ થતાં દરોડો પાડી નિમેષને મુક્ત કરાવી આરોપીઓને સકંજામાં લીધા છે.
આ બનાવમાં જામનગર સીટી બી-ડિવીઝન પોલીસે રાજકોટ રૈયાધાર ડ્રીમસીટી બ્લોક નં. ૭૦૪ ખાતે રહેતાં અને જ્યુબીલી ચોકમાં એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં બીઝનેસ ડેવલપર્સ મેનેજર તરીકે નોકરી કરતાં નિમેષભાઇ ભુપતભાઇ તન્ના (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી જામનગરના જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એઝાઝ સાયચો, અક્ષય ઉર્ફે અપો ચાવડા, અમિત ચાવડા અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જયદિપસિંહે રૂા. ૨૭.૨૦ લાખ વ્હાઇટના નાણામાં તબદીલ કરી આપવા નિમેષભાઇને આપ્યા હતાં. પરંતુ તે આ રકમ સમયસર પરત ન આપી શકતાં જયદિપસિંહ સહિતે કાવતરૂ ઘડી નિમેષભાઇ, તેના પત્નિ, પુત્રી અને મિત્રનું ચોટીલા ટોલનાકા નજીકથી અપહરણ કરી જામનાગર લઇ જઇ ગોંધી રાખી ખંડણી રૂપે પૈસા કઢાવવા જામનગરના બંગલામાં ગોંધી રાખી માર મારી ખૂનની ધમકી દઇ ૯ લાખ ૭૫ હજાર આંગડીયાથી અને રોકડેથી બળજબરીથી કઢાવી લેવાનો ગુનો નોંધ્યો છે.
નિમેષભાઇ તન્નાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પિતા ભુપતભાઈ ગોરધનદાસ તન્ના, માતા માયાબેન, પત્નિ સપના અને ત્રણ વર્ષની દિકરી સાથે રહુ છું. હું જ્યુબીલી ચોકમાં એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં બીઝનેસ ડેવલોપર્સ મેનેજર તરીકે નોકરી કરુ છું. મારો માસીક પગાર રૂ.૩૨,૦૦૦ છે. મારા મિત્રો લખન જીતેન્દ્રભાઇ ઘેડીયા (રહે. રાજકોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક)માં રહે છે અને ચરાગ આહિર (રહે. જામનગર, ખોડીયાર કોલોની) છે તેને હું૧૫ વર્ષથી ઓળખુ છું. ગત તા. ૨૧/૦૪/૨૦૨૬ના સાંજે ચારેક વાગ્યે મને જામનગરના ચિરાગ આહિરનો ફોન આવેલ અને કહેલ કે મારા મિત્ર જામનગરના જયદિપસિંહ જાડેજા ઉર્ફે લાલાને બ્લેકના વ્હાઇટ રૂપિયા કરવા છે, તારી પાસે બેન્ક એકાઉન્ટ હોય તો જણાવજે. જેથી મેં મારા મિત્ર લખન ઘેડીયા અને તેના મિત્રના એકાઉન્ટ છે, પણ તેમાં ૧ લાખના રૂા. ૭૦૦ કમિશન થશે તેમ કહ્યું હતું.
બાદ ચિરાગ આહિરએ મને જયદિપસિંહ જાડેજાના મોબાઇલ નંબર આપતાં મે જયદિપસિંહ જાડેજા સાથે મોબાઈલ ફોન કરી કહેલ કે મને ચિરાગ આહિરે બ્લેકના વ્હાઇટ રૂપીયા કરવાના છે તો તમને ચેકનો ફોટો મોકલુ છુ તેમ કહી જયદિપસિંહ જાડેજાને વહોટ્સએપમા લખન ઘેડીયાના મિત્ર કાપડી દષ્ટાંતના બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટ નંબરનો ચેકનો ફોટો મોકલી આપેલ હતો. ત્યાર બાદ તા. ૨૪/૦૪/૨૦૨૬ના રોજ મને જયદિપસિંહ જાડેજાનો ફોન આવેલ કે આજે ૨૭ લાખ ૨૦ હજાર રૂપીયા દષ્ટાંત કાપડી ના એકાઉન્ટમાં આવશે. આ પછી દષ્ટાંતના એકાઉન્ટમાં આ રકમ આવી જતાં તે અને લખન રકમ ઉપડાવા ગયા હતાં. પરંતુ બેંકમાં પુરતી રકમન હોઇ જેથી દષ્ટાંતે લખનના એક્સીસ બેંકના એકાઉન્ટમાં ૨૭ લાખ ૨૦ હજાર રૂપીયાનું આરટીજીએસ કરી આપેલ. ત્યાર બાદ લખન ઘેડીયાએ એકસીસ બેન્કમાથી રોકડ રૂપીયા ઉ પાડી લીધા હતા. તેમાંથી લખને મને૧૭ લાખ રૂપીયા આપેલ, જેથી મે ભાવેશ વણઝારા (રે. જેતપુર)ને ૧૦ લાખ રૂપીયા રાજકોટ પી.એમ. આંગડીયાથી મોકલી આપેલ, તેમજ રૂપીયા ૩,૧૦,૦૦૦ સાગર વાંક (રહે. રાજકોટ)ને રોકડા આપ્યા હતાં. બાકીના બાકીના રૂપીયા મારા ધરે રાખેલ હતાં. મારે જયદિપસિંહ જાડેજાને ૨૦ હજાર રૂપીયા કમીશનના બાદ કરી એ જ દિવસે ૨૭ લાખ રૂપીયા આંગડીયાનુ કરવાનુ હતું. પણ મારે આંગડીયું કરવું ન હોઇ જેથી મારો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ સાંજના સમયે મારો મોબાઇલ ફોન ચાલુ કરતાં ચિરાગ આહિર અને જયદિપસિંહના ફોન આવ્યા હતાં.
મને કહેલું કે આંગડીયામા રૂપીયા કેમ પરત કરેલ નથી? જેથી મે કહેલ કે મારે જરૂર છે જેથી મેં વાપરી નાંખ્યા છે, પણ હું તમોને બે-ત્રણ દિવસમા રૂપીયા પરત આપી દઈશ તેમ જણાવેલ હતું. જેથી ચિરાત્ર આહિર તથા જયદિપસિંહ જાડેજાએ કહેલ કે આજે જ રૂપિયા જોશે. જેથી મેં કાલે આપી દઇશ તેવી ખાત્રી આપી હતી. ત્યારબાદ મને ડર લાગતાં હું મારી પત્નિ સપના અને દિકરી તેમજ મારા મિત્ર લખન ઘેડીયાને લઇ ડ્રાઇવર સાથે ૨૪/૪/૨૬ના વર્ના કાર લઇ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતાં. ત્યાંથી અમારે મુંબઇની ફલાઇટ પકડવી હતી. પરંત અમે ચોટીલા ટોલ નાકે રાતના સવા નવેક વાગ્યે પહોંચેલ ત્યારે અમારી આગળ સ્કોર્પીયો કાર ગાડી આડી નાખવામાં આવી હતી. આ ગાડીમાં જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચો, અક્ષય ચાવડા ઉર્ફે આપી તથા એક અજાણ્યાો મળી પાંચ શખ્સો હતો.
આ પછી એઝાઝ અને ચિરાગ મારી કારમાં બેસી ગયા હતાં. લખન ઘેડીયા અને મારા ડ્રાઇવર ભોલીયાને સ્કોર્પિયોમાં બેસાડી દેવાયા હતાં. બાદમાં અમારુ અપહરણ કરી લીધુ હતું. આ પછી જયદિપસિંહએ મારી પાસે રૂપીયાની માંગણી કરેલ, જેથી મેં મારી પાસે અત્યારે રૂપીયા નથી મને જવા દો તેમ કહેતા જયદિપસિંહ જાડેજાએ કહેલ કે રૂપીયા તો જોશે જ. આ પછી આ લોકોએ ગાડી જામનગર તરફ પાછી વાળેલ. રસ્તામાં રાજકોટ મુકામે અમારા ડ્રાયવર ભોલીયાને ઉતારી મુકેલ. ત્યાથી અમોને જામનગર, ગીતા મંદિર સામે એક બંગલામાં રાત્રીના સાડા બારેક વાગ્યે એક રૂમમા પુરી દિધેલ અને અમારા મોબાઇલ ફોન લઈ લીધેલ, અમારી ઉપર રાત્રીના જયદિપસિંહ જાડેજા તથા અમીત ચાવડા તથા બીજા ત્રણ માણસો હાજર રહ્યા હતાં.
બાદ ૨૫/૪ના સવારે દસેક વાગ્યે આ તમામ માણસોએ પૈસા કઢાવવા માટે મને કહેલ કે તુ રૂપીયા નહી આપ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખશું, તુરં રૂપીયાની ગમે તેમ વ્યવસ્થા કર. આથી મેં ફોન કરી જેતપુર ભાવેશ વણઝારા પાસેથી ૧ લાખ આંગડીયાથી મંગાવ્યા હતાં. રાજકોટથી ૨ લાખ મારા ભાઇ રાજ તન્ના પાસેથી આંગડીયાથી જામનગર મંગાવ્યા હતાં. તેમજ ૪૫ હજાર રૂપીયા દર્શન કાપડી પાસેથી મંગાવ્યા હતાં. ૧ લાખ ૩૦ હજાર રૂપીયા મારી પાસે રોકડા હમતાં તે પણ આ લોકોએ પડાવી લીધા હતાં. આ તમામ આંગડીયા અમીત ચાવડાના નામે કરાવેલ હતા. આ રીતે મારી પાસેથી કુલ ૯ લાખ ૭૫ હજાર બળજબરીથી કઢાવ્યા હતાં.
આ પછી સાંજના સાડા પાંચ વાગ્યે જયદિપસિંહ જાડેજા અને ચિરાગ આહિરે મારા પત્નિ સપના, તથા પુત્રી અને મિત્ર લખન ઘેડીયાને જવા દીધા હતાં. તેમજ મારા પત્નિ સપનાને કહેલું કે-બીજા રૂપીયાની વ્યવસ્થા કરી આવો પછી સોમવારે તમારા પતિને જવા દઈશું. ત્યારબાદ જામનગર ગીતામંદિર પાસે આવેલ બંગલામાથી ચિરાગ આહિર તથા અક્ષય ચાવડા ઉર્ફે આપો મને જનતા ફાટકે અક્ષય ચાવડાની ઓફિસે લઈ ગયેલ, અને સાંજના સાડા સાત વાગ્યે જયદિપસિંહ જાડેજા તથા અમીત ચાવડા આવેલ અને રૂપીયાનો વ્યવસ્થા કર તેમ કહી ગાળો આપી, મને મુત્યુના ભયમા મુકી, મારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એ પછી મને આડેધડ ઢીકાપાટુ માર્યા હતાં. તેમજ સોમવારે પૈસા નહી આવે તો છરીના ઘા મારી દઇશ તેવી ધમકી આપી હતી.
આડેધડ મારને કારણે મને શરીરમાં દુઃખાવો થતો હોઇ મને બાજુમાં કોઇ મેડીકલ સ્ટોર હોઇ ત્યાંથી દવા લાવી આપી હતી. આ પછી મેં સોમવારે રૂપિયાની વ્યવસ્થા થઇ જશે તેવી વાત કરી મારા પત્નિને ફોન કરી કહેલું કે આ લોકોએ રૂપિયા માટે મને માર માર્યો છે તું ગમે તેમ કહીને રૂપિયા ભેગા કરી નહિતર મને મારી નાખશે. આ પછી મારા પત્નિએ કોઇ કોઇએ પણ પોલીસને જાણ કરતાં જામનગર પોલીસ આવી ગઇ હતી અને મને છોડાવ્યો હતો. તેમ વધુમાં નેમિષ તન્નાએ જણાવતાં પીએસઆઇ એસ. જી. કેશવાલાએ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.
(2:59 PM IST)










