News of Sunday, 12th July 2026
ગુજરાતના સેમિકન્ડક્ટર હબમાં રાજકોટની ધમાકેદાર એન્ટ્રી : સ્વદેશી ફેબલેસ ટેક્નોલોજીથી આત્મનિર્ભર ભારતને મળશે નવી ગતિ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનથી ડિજિટલ ક્રાંતિ વેગવંતી બની
ચીન સહિતના વિદેશી મોડ્યુલ્સની આયાત ઘટશે અને ડેટા સુરક્ષા મજબૂત થશે : ઓગસ્ટ ૨૦૨૬થી મોટા પાયે ઉત્પાદન કરવા રાજકોટની કંપની સજ્જ : ઉદ્યોગપતિ ચિંતન મહેતાને રાજ્ય સરકારની ૧૨.૫૦ લાખથી વધુની સહાયનું મળ્યું પીઠબળ

રાજકોટ: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને ડાયમંડ હબ સુરત સેમિકન્ડક્ટર ક્રાંતિના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાત જ્યારે દેશનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક ક્રાંતિમાં રાજકોટની એકમાત્ર કંપનીએ પણ ધમાકેદાર એન્ટ્રી કરીને પોતાની મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની જાણીતી કંપનીના ફાઉન્ડર અને ડાઇરેક્ટર ચિંતન મહેતાના જણાવ્યા મુજબ, દેશને આત્મનિર્ભર બનાવવા અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે રાજકોટ હવે પૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.
વિદેશી 'બ્લેક બોક્સ' સામે સ્વદેશી સુરક્ષા કવચ:
દર વર્ષે ભારતમાં વિદેશોમાંથી એક કરોડથી વધુ ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલ્સની આયાત કરવામાં આવે છે. હાલમાં દેશમાં વપરાતા વિદેશી મોડ્યુલ્સ, ખાસ કરીને ચીનથી આવતા 'બ્લેક બોક્સ' મોડ્યુલ્સમાં ડેટા સુરક્ષાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે આ ડેટા કયા દેશના કયા સર્વરમાં જમા થાય છે તેની કોઈ સચોટ માહિતી મળતી નથી. જો આ ફેબલેસ મોડ્યુલ્સ ભારતમાં જ બનાવવામાં આવે, તો ડેટાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહિ થાય અને દેશની ડિજિટલ સાર્વભૌમત્વતા જળવાઈ રહેશે. રાજકોટની કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ આયાત ઘટાડીને ભારતમાંથી નિકાસ (એક્સપોર્ટ) વધારવાની દિશામાં મક્કમ પગલાં ભરવાનો છે.
ઓગસ્ટ ૨૦૨૬થી માસ પ્રોડક્શનનો આરંભ, કદમાં નાનું પણ કામમાં શક્તિશાળી:
ચિંતન મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં અલગ-અલગ ઔદ્યોગિક અને વ્યાપારી જરૂરિયાત મુજબ ૫,૦૦૦ થી વધુ ડિવાઇસ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના થકી ક્લાઉડ પર ૪ મિલિયન (૪૦ લાખ) થી વધુ રેકોર્ડ્સ સુરક્ષિત રીતે એકત્રિત થઈ રહ્યા છે. આગામી ઓગસ્ટ ૨૦૨૬ થી કંપની મોટા પાયે આ પ્રોડક્ટ્સનું કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડસ્ટ્રીના પ્રોટોકોલ મુજબ ૫ થી ૬ પ્રકારના વિવિધ મોડ્યુલ્સ ટૂંક સમયમાં બજારમાં લોન્ચ કરાશે. ભવિષ્યમાં 'વર્ટિકલી એમ્બેડેડ ટુ ક્લાઉડ સિસ્ટમ' નું ડેવલપમેન્ટ, સપોર્ટ અને કંટ્રોલ પૂરો પાડવો એ કંપનીનું મુખ્ય લક્ષ્ય છે.
આ ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલનું કદ માત્ર ૧૮.૫ × ૨૯.૫ મિલીમીટર છે, જે બે રૂપિયાના સિક્કા કરતાં કદમાં થોડું જ મોટું છે. કદમાં અત્યંત નાનું હોવા છતાં આ મોડ્યુલ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે અને વિવિધ સ્માર્ટ તેમજ ઔદ્યોગિક ઉપકરણોમાં અત્યંત કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
ડબલ એન્જિન સરકાર તરફથી ૧૨.૫૦ લાખથી વધુની ગ્રાન્ટનું પીઠબળ:
ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી ઉત્કૃષ્ટ આર્થિક અને માળખાકીય સહયોગ સાંપડ્યો છે. જેમાં:
i-Hub ગુજરાતની સૃજન ગ્રાન્ટમાંથી ૨.૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) તથા ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ૧૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-રાજકોટ (DIC) દ્વારા MSME અંતર્ગત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) રજિસ્ટ્રેશન માટે વિશેષ સબસિડી આપવામાં આવી છે.
દેશ-વિદેશના કોઈપણ પ્રદર્શનો અને એક્ઝિબિશનમાં ભાગ લેવા માટેનો તમામ ખર્ચ પણ DIC દ્વારા પૂરો પાડવામાં આવે છે.
જાણો શું છે ફેબલેસ અને સેમિકન્ડક્ટર ટેક્નોલોજી?
ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલ્સ: 'ફેબલેસ' શબ્દ Fabrication (ઉત્પાદન) + Less (વગરનું) મળીને બન્યો છે. જ્યારે કોઈ કંપની માઈક્રોચિપની માત્ર ડિઝાઇન, આર્કિટેક્ચર અને રિસર્ચ (R&D) પર કામ કરે છે, પરંતુ તેનું ભૌતિક ઉત્પાદન કરવા માટે પોતાની ફેક્ટરી ધરાવતી નથી, ત્યારે તેને ફેબલેસ કંપની કહેવાય છે. તેનાથી મૂડી ખર્ચ ખૂબ ઓછો થાય છે અને કંપનીઓ અદ્યતન સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
સેમિકન્ડક્ટર મોડ્યુલ: મોડ્યુલ એ એક નાનું, સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક પેકેજ છે. તેમાં માત્ર એક ચિપ હોતી નથી, પરંતુ મુખ્ય માઇક્રોપ્રોસેસર (IC), મેમરી (RAM/ROM), વાયરલેસ એન્ટેના (Wi-Fi/Bluetooth માટે) અને સેન્સર્સ કનેક્ટ કરવા માટેની પિન એક જ નાના બોર્ડ પર ઇન્ટિગ્રેટ કરેલી હોય છે, જેથી એન્જિનિયરો તેને સીધા પ્રોજેક્ટમાં વાપરી શકે.
૪ તબક્કાની સપ્લાય ચેઇન: આખી પ્રક્રિયા ૪ તબક્કામાં વહેંચાયેલી છે; જેમાં પ્રથમ ડિઝાઇન ફેબલેસ કંપની દ્વારા તૈયાર થાય છે. ત્યારબાદ તાઇવાન કે દક્ષિણ કોરિયા જેવી સિલિકોન ફાઉન્ડ્રીમાં તેનું મેન્યુફેક્ચરિંગ થાય છે. ત્રીજા તબક્કામાં તેનું સખત પેકેજિંગ અને ટેસ્ટિંગ થાય છે અને છેલ્લે બજારમાં તેનું વેચાણ અને ઉપયોગ કરવામાં આવે છે. આ ચરખાથી ચિપ સુધીની યાત્રા ભારતના ઔદ્યોગિક વિકાસમાં નવો ઇતિહાસ લખશે. (આલેખન – રાજ લક્કડ, પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ)
(5:07 PM IST)










