<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

દિવાળીએ રંગીલું રાજકોટ બનશે ઝગમગતું: કાર્નિવલની ધૂમ

બારસ, તેરસ, ચૌદસ અને દિવાળી એમ ચાર દિવસ રંગારંગ કાર્નિવલઃ રિંગરોડ પર રોશનીનો ઝગમગાટ, રંગોળી સ્‍પર્ધા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે : ધનતેરસે રેસકોર્સના આકાશમાં રંગબેરંગી આતશબાજીનો અદભૂત નજારો સર્જાશેઃ ૧૨૦૦થી વધુ ફટાકડાથી આકાશમાં રંગોળી રચાશે

રાજકોટ, તા. ૨૨: ઉત્‍સવપ્રિય અને રંગીલા રાજકોટમાં દિવાળીના પર્વને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્‍ય આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. આ વર્ષે દિવાળીની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ બારસ, તેરસ, ચૌદસ અને દિવાળી એમ સળંગ ચાર દિવસ શહેરમાં કાર્નિવલનો માહોલ જામશે. રિંગરોડને રંગબેરંગી રોશનીથી ઝગમગતો બનાવવાની સાથે રંગોળી સ્‍પર્ધા, ભવ્‍ય આતશબાજી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટવાસીઓને મનોરંજનનો અનોખો અનુભવ કરાવવા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે. ખાસ કરીને આગામી તા. ૬ નવેમ્‍બરના રોજ ધનતેરસના પાવન અવસરે સાંજે ૭ વાગ્‍યે રેસકોર્સ સ્‍થિત શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે ભવ્‍યાતિભવ્‍ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું મનપાના સાંસ્‍કળતિક વિભાગ દ્વારા જણાવાયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી દિવાળીના તહેવાર નિમિત્તે રેસકોર્સ ખાતે ભવ્‍ય આતશબાજી યોજવાની પરંપરા જાળવવામાં આવી છે. આ વર્ષે પણ આકાશમાં રંગબેરંગી રોશનીનો અદભૂત નજારો સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આતશબાજી દરમિયાન ૧૨૦૦થી વધુ ફટાકડાના ઉપયોગથી આકાશમાં અવનવી રંગોળી રચાશે. રંગબેરંગી ફટાકડાની ઝાકઝમાળ શહેરીજનો માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

૨૦૦ ફૂટના નાયગ્રા ફોલ્‍સથી લઈ મ્‍યુઝિકલ શોટ સુધીનાં આકર્ષણો

આતશબાજીના કાર્યક્રમમાં ૨૦૦ કોમેટ, ૨૦૦ માઇન્‍સ અને ૭૦૦ એરિયલ શોટ ઉપરાંત ૨૪૦ મલ્‍ટીકલર શોટની ૧૦, ૧૨૦ મલ્‍ટીકલર શોટની ૧૦, ૧૦૦ ક્રેકલિંગ શોટની ૪, ૧૦૦ મ્‍યુઝિકલ શોટની ૪ તથા ૧૦૦ સાયરન શોટની ૪ આઇટમનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત ૨૦૦ ફૂટનો નાયગ્રા ફોલ્‍સ, ‘‘હેપ્‍પી દિવાળી' નામનું રોશનીથી ઝળહળતું બોર્ડ, પીકોક, થ્રી ઇન વન ખજૂરી, સૂર્યમુખી, પામ ટ્રી, ગોલ્‍ડન સ્‍ટાર, ઇલેક્‍ટ્રિક ખજૂરી અને અશોક ચક્ર જેવા વિશેષ આકર્ષણો પણ આતશબાજીમાં જોવા મળશે. બિગ સ્‍પાર્કલ્‍સની પાંચ પેકેટનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. આતશબાજી માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે.

રિંગરોડ પર રોશનીનો ઝગમગાટ, રંગોળી સ્‍પર્ધાથી દિવાળીની ઉજવણી બનશે વિશેષ

આ વર્ષે રાજકોટમાં દિવાળીના પર્વને વધુ ભવ્‍ય અને યાદગાર બનાવવા ચાર દિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.  બારસથી દિવાળી સુધી શહેરમાં ઉત્‍સવનો માહોલ છવાયેલો રહેશે.  રિંગરોડને આકર્ષક લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.  સાથે રંગોળી સ્‍પર્ધા, આતશબાજી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ આયોજન થકી રાજકોટ વાસીઓને દિવાળીના પર્વ દરમિયાન વિશેષ ઉત્‍સવી માહોલનો આનંદ માણવાની તક મળશે.

 

 

 

(2:39 PM IST)