<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

જામનગરના ફલ્લા પાસે ગાય સાથે કાર અથડાતાં રાજકોટના દરજી વિશાલભાઇ ગોહેલનું મૃત્‍યુ

જામનગર ખાતેની અલગ અલગ કંપનીના કર્મચારીઓના યુનિફોર્મના માપ લઇને પરત રાજકોટ આવતી વખતે બનાવઃ સંત કબીર રોડ કનકનગરમાં રહેતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨: રસ્‍તા પર પશુ આવી ચડવાથી અકસ્‍માતની અવાર-નવાર ઘટનાઓ બનતી રહે છે. દરમિયાન વધુ એક આવા બનાવમાં એક પરિવારના સદસ્‍યનું મૃત્‍યુ થયું હતું. રાજકોટ સામા કાંઠે રહેતાં દરજી આધેડ જામનગરની અલગ અલગ કંપનીઓના કર્મચારીઓના યુનિફોર્મના માપ લઇને રાજકોટ પોતાની કારમાં આવી રહ્યા હતાં ત્‍યારે ફલ્લા નજીક અચાનક ગાય આડી આવી જતાં તેની સાથે અકસ્‍માત સર્જાતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ સંત કબીર રોડ પર કનકનગર શેરી નં. ૧૦માં રહેતાં વિશાલભાઇ દિનેશભાઇ ગોહેલ (ઉ.વ.૪૫) નામના દરજી આધેડ તા. ૨૮/૯ના રોજ પોતાની કાર લઇ જામનગરથી રાજકોટ રાત્રીના સાડા અગીયારેક વાગ્‍યે આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં ફલ્લા નજીક રોડ પર અચાનક ગાય આડે આવી જતાં તેની સાથે કાર અથડાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. વિશાલભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સગાને જાણ થતાં તેઓ પણ પહોંચ્‍યા હતાં. સારવાર દરમિયાન વિશાલભાઇનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જામનગર પંચકોશી પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવી હતી. મૃત્‍યુ પામનાર વિશાલભાઇ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ જામનગરની કંપનીઓના કર્મચારીઓના યુનિર્ફોર્મ સીવવાના કામ રાખતાં હોઇ ત્‍યાં કર્મચારીઓના યુનિફોર્મના માપ લેવા ગયા હતાં. ત્‍યાંથી રાતે પરત રાજકોટ આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.  આ બનાવથી ગોહેલ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(10:53 AM IST)