News of Wednesday, 13th May 2026
ઇમ્પોર્ટ ડયુટી વધતા ભાવમાં ભડકો : ચાંદીમાં ૧ર,૦૦૦ અને સોનામાં ૮,૦૦૦ રૂા.નો ઉછાળો
રાજકોટમાં હાજરમાં ચાંદીના ભાવ વધીને ર,૮ર,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૪,૦૦૦ રૂા. થયા : વડાપ્રધાન મોદીની અપીલ અને ઇમ્પોર્ટ ડયુટી વધતા ઝવેરી બજારમાં નવી ખરીદી તદન ઠપ્પ

રાજકોટ, તા., ૧૪: કેન્દ્ર સરકારે સોના-ચાંદીમાં આયાત ડયુટી વધારી ૧પ ટકા કરતા સોના-ચાંદીના ભાવમાં ભડકો થયો હતો. ચાંદીમાં એક જ ઝાટકે ૧ર,૦૦૦ અને સોનામાં ૮,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.
કેન્દ્ર સરકારે સોના-ચાંદીમાં આયાત ડયુટી વધારતા સ્થાનીક બજારમાં ચાંદીના ભાવમાં ૧ર,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૭૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર.૦૦ વાગ્યે ર,૮ર,૦૦૦ રૂા. થયા છે. ગઇકાલે ૧૦,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૧ર,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિવસમાં ચાંદીમાં રર,૦૦૦ રૂા.નો તોતીંગઉછાળો થયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ૮,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,પ૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૪,૦૦૦ રૂા. થયા છે. ગઇકાલે સોનામાં ૧,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૮,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં ૯,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ વિદેશી હુંડીયામણ બચાવવા સોનાની ખરીદી એક વર્ષ બંધ કરવા અપીલ કરી હતી અને બાદમાં કેન્દ્ર સરકારે આયાત ડયુટી વધારતા સોના-ચાંદીના ભાવમાં ભડકો થતા બજારમાં ખરીદી ઠપ્પ થઇ ગયાનું અને આગામી દિવસોમાં લેવાલીના અભાવે સોના-ચાંદીના ભાવો ઘટશે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
(3:21 PM IST)










