<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજકોટ રૂરલ પોલીસે વાસાવડના વ્‍યાજખોર પાસેથી ર૩ પીડીતોને રર લાખના દાગીના-વાહનો અને ચેકો પરત અપાવ્‍યા

રાજકોટ, તા., ર૭: રાજકોટ રૂરલ પોલીસે વાસાવડના વ્‍યાજખોર પાસેથી ર૩ પીડીત પરિવારોને રર લાખના સોના-ચાંદીનાના દાગીના, બેંકના કોરા ચેકો તથા વાહનો પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે વ્‍યાજખોરોનો ભોગ બનેલ સામાન્‍ય નાગરીકોને વ્‍યાજના વિષચક્રમાંથી બહાર કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ઇન્‍ચાર્જ એએસપી નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ સુલતાનપુરના પીઆઇ ખાચર તથા સ્‍ટાફે વાસાવડના હનીફ ઉર્ફે કાળુ ઇસ્‍માઇલભાઇ સલાટ સામે વ્‍યાજખોરીનો ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

દરમિયાન વ્‍યાજખોર સામે ગુન્‍હો દાખલ થયા બાદ વ્‍યાજખોરીનો ભોગ બનેલ ર૩ થી વધુ લોકોએ સુલતાનપુરના પીઆઇ ખાચરનો સંપર્ક કરી વ્‍યાજખોરના કબ્‍જામાં સોના-ચાંદીના દાગીના, કોરા ચેક, વાહનોની આરસીબુક હોવાની વિગતો આપી હતી.

આરોપી જામીન પર મુકત થતા રૂરલ એસપી વિજયસિં઼હ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલીસે આરોપીનો સંપર્ક કરી ભોગ બનનારને તેના દાગીના સહિતની ચીજવસ્‍તુઓ પરત આપવાનું કહેતા આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટે સ્‍વખુશીથી તેની પાસે રહેલ પીડીત પરીવારોના સોના-ચાંદીના દાગીના, સહિતની વસ્‍તુઓ પરત આપી હતી.

આજે રૂરલ એસપી કચેરી ખાતે એસપી વિજયસિંહ ગુર્જરની હાજરીમાં સુલતાનપુરના પીઆઇ ખાચર અને સ્‍ટાફની ઉપસ્‍થિતિમાં વ્‍યાજખોરીનો ભોગ બનેલ ર૩ પરીવારોને સોનાના દાગીના કિંમત ૧૪.૬૯ લાખ, ચાંદીના દાગીના કિંમત ૧.પ૦ લાખ, વાહનોની આરસીબુક ર૦, બેંકના કોરા ચેક-ર૩, ૩ છકડો રીક્ષા, ૧ મકાનનો દસ્‍તાવેજ તથા રોકડ રૂપીયા ૧.રપ લાખ સહિત કુલ રર લાખનો મુદામાલ પરત અપાયો હતો. 

(3:07 PM IST)