<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રાજકોટને નવા મેયર આવતા સપ્તાહે મળવાની સંભાવના

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની મુલાકાત બાદ મનપામાં પદાધિકારીઓની નિમણુંક માટે જનરલ બોર્ડબોલાવવા એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાઇ તેવી શકયતા

રાજકોટ તા.પઃ રાજકોટ મહાપાલિકામાં ભાજપે સતા મેળવી લીધી છે. હવે મનપામાં ૨ાા વર્ષ માટે મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક આવતા અઠવાડિયામાં થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. કેમ કે, આગામી ૧૧ થી ૧૩ મેના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે હોય ત્‍યારબાદ મનપામાં જનરલ બોર્ડ બોલાવવા એજન્‍ડા પ્રસિધ્‍ધ કરવા સુચના આપવામાં આવે તેવુ મનપાના સતાવાર સુત્રો જણાવી રહયા છે.

મ્‍યુનિ.કોર્પોરેશનના ચુંટાયેલા કોર્પોરેટરશ્રીઓની મુદત ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ પૂર્ણ થતા ચુંટણી પંચ દ્વારા તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મ્‍યુનિ. કોર્પોરેટરશ્રીઓની ચુંટણી હાથ ધરવામાં આવેલ હતી. તા.૩૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવ્‍યા બાદ ચુંટણીપંચ દ્વારા ચુંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગર્વમેન્‍ટ ગેઝેટમાં પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. તા.૨૭ એપ્રિલના રોજ ગેઝેટ પ્રસિધ્‍ધ થયુ છે. જેમાં મુખ્‍યત્‍વે હવે પ્રથમ બેઠક મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવવાની હોય છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્વે તાજેતરમાં પ્રસિધ્‍ધ થયેલા ગેઝેટમાં  નિયમો પ્રસિધ્‍ધ કરાયા છે અને આગામી દિવસોમાં તે મુજબ મેયરની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. એજન્‍ડા પ્રસિધ્‍ધ થયા બાદ ત્રણ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું વિડિયો રેર્કોડિંગ થશે.

રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્‍દ્રનગર,વાપી, મોરબી, નવસારી, નડિયાદ, મહેસાણા સુરેન્‍દ્રનગર-વઢવાણ, ગાંધીધામ સહિતની તમામ મહાપાલિકાઓમાં ઉપરોક્‍ત નવા નિયમ મુજબ મેયરની ચૂંટણી પ્રક્રિયા થશે.

અત્રે નોંધનીય છે કે, મનપામાં મેયર સહિતના પદાધિકારીઓ નિમણુંક માટે ખાસ બોર્ડનો એજન્‍ડા ૩ દિવસ પહેલા પ્રસિધ્‍ધ કરવાનો હોય છે પણ આજદિન સુધી રાજકોટ મનપામાં કોઇ સુચના ન મળતા આવતા સપ્‍તાહે મનપાનું પ્રથમ બોર્ડ બોલાવાઇ તેવી શકયતા જોવાઇ રહી છે. કેમકે આગામી ૧૧ અને ૧૨ના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવનાર હોય ત્‍યારે આ દિવસોમાં નવા પદાધિકારીઓની નિમણુંક અશકય હોય તે ત્‍યારબાદ બોર્ડ બોલાવાય તેવુ મનપા લોબીમાં ચર્ચાઇ રહયુ છે.

રાજકોટ મનપાના નવા સુકાનીઓ પસંદ કરવા ૭ મીએ પાર્લામેન્‍ટરી બોર્ડ

રાજકોટઃ મનપાના મેયર, ડે. મેયર સ્‍ટેન્‍ડીંગ કમીટી સભ્‍ય (ચેરમેન) નક્કી કરવા માટે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકો શરૂ થનાર છે. રાજકોટ મનપા માટે પાર્લામેન્‍ટરી બોર્ડમાં આવતા ગુરૂવારે સાંજે ૭ વાગ્‍યે સુનાવણી છે. મેયર માટે નેહલ શુકલ, મનીષ ભટ્ટ, અશ્વીન ભોરણીયા, કેતન પટેલ, દિલીપ લુણાગરીયાના નામ ચર્ચામાં છે.

(3:11 PM IST)