News of Wednesday, 1st July 2026
રાજકોટ કલેકટરમાં ડે. કલેકટરની ૬ જગ્યા ખાલીઃ લોકોની જમીન, મહેસુલ કેસો અન્ય કાયદાકીય કામો અટવાયાઃ કોંગ્રેસનું આવેદન
સરકારની આવક-દસ્તાવેજોની નોંધણી પર પણ અસરઃ સમગ્ર વહિવટીતંત્ર ઇન્ચાર્જથી ચલાવાય છે... : અતિ મહત્વના ગણાતા ગોંડલમાં પણ આજ હાલતઃ ફાઇલોના ઢગલાઃ મહત્વના નિર્ણયો લેવામાં અધિકારીઓની ઉદાસીનતા...

રાજકોટઃ તા.૧, રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આજે વિસ્તૃત આવેદન પાઠવી ડે. કલેકટરો-પ્રાંતની ખાલી જગ્યાઓ અંગે અસરકારક ધ્યાન દોર્યુ હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વહીવટી તંત્રના મહત્વના પદો ખાલી હોવાને કારણે અને સરકારી કામગીરી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલતી હોવાને લીધે જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાદ્યેલાની આગેવાનીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લો એ સમગ્ર સૌરાષ્ટ્રનું હાર્દ અને પાટનગર સમાન છે. આમ છતાં, છેલ્લા ઘણા સમયથી રાજકોટનું સમગ્ર વહીવટી તંત્ર માત્ર ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા જ ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો, સૌથી મહત્વપૂર્ણ ગણાતી રાજકોટ પ્રાંત અધિકારી ૧, ૨, અને ૩ એમ ત્રણેય મહત્વની જગ્યાઓ હાલ લાંબા સમયથી ખાલી પડી છે, જેના કારણે સામાન્ય નાગરિકોના જમીન, મહેસૂલ અને અન્ય કાયદાકીય કામો અટવાઈ પડ્યા છે.
ઉપરાંત, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના ડેપ્યુટી કલેક્ટરની જગ્યા ખાલી છે, જેનાથી સરકારની આવક અને દસ્તાવેજોની નોંધણીની કામગીરી પર સીધી અસર પડી રહી છે. જિલ્લાના અતિ મહત્વના ગણાતા ગોંડલ તાલુકાના ડેપ્યુટી કલેક્ટરની જગ્યા પણ ખાલી હોવાનું સામે આવ્યું છે.મોટાભાગની મહત્વની જગ્યાઓ ખાલી હોવાના કારણે હાલના વહીવટી તંત્ર ઉપર કામનું ભારણ અસહ્ય રીતે વધી ગયું છે. ઇન્ચાર્જ અધિકારીઓ પાસે પૂરતી સત્તા અથવા સમય ન હોવાને કારણે તેઓ મહત્વના નિર્ણયો લેવામાં અને કેસો ચલાવવા બાબતે ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે.
વહીવટી શિથિલતાના કારણે સરકારી કચેરીઓમાં ફાઇલોના ઢગલા ખડકાયા છે અને ઝડપી નિકાલની વહીવટી પ્રક્રિયાઓ સાવ ખોરંભે પડી ગઈ છે.ત્યારે કોંગ્રેસે માંગ કરી છે કે, રાજકોટ જિલ્લામાં તાકીદે બાકી રહેતી વહીવટી ઉચ્ચ અધિકારીઓની નિમણૂક નિયમિત ધોરણે કરવામાં આવે અને વહીવટી પ્રક્રિયાને સરળ તથા ઝડપી બનાવવામાં આવે.રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત વેળાએ કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ ગાયત્રીબા એ. વાદ્યેલા, અતુલભાઈ રાજાણી, અશોકસિંહ વાદ્યેલા અને દિલીપભાઈ આસવાણી સહિતનાઓ હાજર રહ્યા હતા.
(3:25 PM IST)










