<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટ બન્યું 'અગનભઠ્ઠી': બપોરે 2:30 વાગ્યે જ પારો 43.8 ડિગ્રીને પાર, આજે રેકોર્ડબ્રેક ગરમીની ભીતિ

10 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ શહેરીજનોને ત્રાહિમામ પોકરાવ્યા; હજુ તાપમાનમાં વધારો થવાની શક્યતા

રાજકોટ:   ઉનાળાની કાળઝાળ ગરમીએ આજે રાજકોટમાં પ્રકોપ મચાવ્યો છે. બપોરે 2:30 વાગ્યાના સુમારે તાપમાનનો પારો 43.8 ડિગ્રી સેલ્સિયસને આંબી જતાં શહેર જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવો અનુભવ લોકોને થઈ રહ્યો છે. સવારથી જ સૂર્યનારાયણનો પ્રકોપ એટલો તીવ્ર હતો કે બપોર થતાં સુધીમાં રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા.

   ગતિશીલ ગરમ પવનોથી મુશ્કેલીમાં વધારો  

હવામાન વિભાગના આંકડા મુજબ, બપોરે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ વાતાવરણમાં ઉકળાટ અને અકળામણ વધારી દીધી છે. સામાન્ય રીતે પવનની લહેરખી રાહત આપે છે, પરંતુ આજે ફૂંકાતા ગરમ પવનો 'લૂ' જેવો અનુભવ કરાવી રહ્યા છે, જેના કારણે નાગરિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

   આજે નોંધાઈ શકે છે નવો રેકોર્ડ  

હવામાનની સ્થિતિ જોતા આજે સાંજ સુધીમાં તાપમાન ગત વર્ષોના રેકોર્ડ તોડે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. વધતા તાપમાનને ધ્યાનમાં લેતા આગામી કલાકો અત્યંત સાવચેતી રાખવા જેવા છે.

*

(3:20 PM IST)