News of Monday, 4th May 2026
રૈયાધારમાં સાગરને બે સગા કાકા કિશોરભાઇ અને ગુલાબભાઇએ પાઇપથી બેફામ ફટકાર્યો
અમદાવાદ કલર કામે જવાનું હોઇ કાકાના દિકરા સાથે વાત કરવા જતાં કાકાઓએ તું અહિ શું કામ આવ્યો કહી લાફા માર્યાઃ બાદમાં પાનની દુકાને જઇ ફરીથી હુમલો કરી ખૂનની ધમકી દીધી

રાજકોટ તા. ૪: શહેરના રૈયાધાર વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. અમદાવાદ કલરકામ માટે જવાની વાત કરવા ગયેલા ભત્રીજા પર તેના જ બે સગા કાકાઓએ હુમલો કરી, લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રામાપીર ચોકડથી આગળ રાણીમા રૂડીમા ચોકમાં ઇન્દિરાનગરમાં રહેતાં સાગર અને કલરકામ કરતા સાગરભાઈ ચતુરભાઈ ડોડીયા (ઉ.વ. ૩૪)ની ફરિયાદ પરથી તેના જ બે કાકા કિશોરભાઇ જેઠાભાઇ ડોડીયા તથા ગુલાબભાઇ જેઠાભાઇ ડોડીયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ સાગરભાઇ બપોરે તેમના કાકા વાલજીભાઈના ઘરે તેમના દીકરા કળણાલને મળવા ગયા હતા. સાગરભાઈ અને કળણાલને કલરકામ માટે અમદાવાદ જવાનું હોઇ જે અંગે તેઓ વાતચીત કરી રહ્યા હતા.
વાતચીત દરમિયાન ત્યાં હાજર બીજા કાકા ગુલાબભાઈ ડોડીયા ઉશ્કેરાઈ ગયા હતા અને સાગરભાઈને કહ્યું હતું ક તું અહીં શું કામ આવ્યો છે? તારા ઘરે જતો રહેતેમ કહી ગાળો ભાંડી, કાઠલો પકડી લાફા ઝીંકી દીધા હતા અને હું તથા કિશોર તને જોઈ લેશું તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ સાગરભાઈ જ્યારે ઘર નજીક આવેલી કમાભાઈની દુકાને ફાકી લેવા ગયા, ત્યારે ગુલાબભાઈ અને કિશોરભાઈ ત્યાં લોખંડનો પાઇપ લઈને ધસી આવ્યા હતા. ગુલાબભાઈએ સાગરભાઈનો કાઠલો પકડી રાખ્યો હતો, જ્યારે કિશોરભાઈએ લોખંડના પાઇપ વડે સાગરભાઈના માથામાં બે ઘા ઝીંકી દીધા હતા. માથામાંથી લોહી નીકળવા છતાં આરોપીઓએ તેમને પગના ગોઠણ નીચે, જમણા હાથના કાંડા પર અને પડખાના ભાગે પાઇપના ફટકા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.
તેમજ હુમલો કરનારા બંને કાકાએ તું અમારી બાબતમાં દખલગીરી કરીશ તો પતાવી દઈશુંૅ તેવી ધમકી પણ દીધી હતી. સાગરભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માથામાં સાત ટાંકા લેવા પડયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ હોસ્પિટલ પહોંચી સાગરભાઈની ફરિયાદના આધારે તેના બંને કાકા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
(2:36 PM IST)










