<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં મુસાફરોના સ્વાસ્થ્ય માટે રેલવે સ્ટેશનો અને ટ્રેનોની પેન્ટ્રી કારમાં ખાદ્ય પદાર્થો તથા પીવાના પાણીની સઘન તપાસ શરૂ

મેડિકલ વિભાગના હેલ્થ ઇન્સ્પેક્ટરો દ્વારા FSSAI અને IRMMના ધોરણો મુજબ ખોરાકના સેમ્પલિંગ તથા H₂S સ્ટ્રીપ અને NABL લેબ દ્વારા પીવાના પાણીના બેક્ટેરિયોલોજીકલ અને કેમિકલ પરીક્ષણો હાથ ધરાયા

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત મુસાફરોના સ્વાસ્થ્ય અને સુવિધાઓને પ્રાથમિકતા આપીને વિવિધ રેલવે સ્ટેશનો તથા ટ્રેનોમાં ખાદ્ય પદાર્થો તેમજ પીવાના પાણીની ગુણવત્તાની ઝીણવટભરી અને સઘન તપાસ કરવામાં આવી રહી છે. ડિવિઝનના મેડિકલ વિભાગના હેલ્થ ઇન્સ્પેક્ટરો દ્વારા નિયમિત નિરીક્ષણ કરીને કેટરિંગ સ્ટોલ, ફૂડ આઉટલેટ, વોટર કૂલર, વોટર બૂથ અને વોટર હટમાંથી ખાદ્ય પદાર્થો તથા પીવાના પાણીના નમૂના લેવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

મુખ્ય સ્ટેશનો ઉપરાંત નાના અને વે-સાઇડ સ્ટેશનોને પણ આ તપાસ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રેનોની પેન્ટ્રી કારમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને નિર્ધારિત ધોરણોના પાલનની નિયમિત ચકાસણી કરાઈ રહી છે.

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સ્વાસ્થ્ય રેલવેની મુખ્ય પ્રાથમિકતા છે. ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન દરમિયાન ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા નમૂના પરીક્ષણની કામગીરી વધુ અસરકારક બનાવાઈ છે.

FSSAI અને IRMM હેઠળ ખાદ્ય પદાર્થોનું સેમ્પલિંગ:
મુસાફરોને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ની જોગવાઈઓ હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સમોસા, થેપલા, ખમણ અને પૂરી જેવા તૈયાર ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી રહ્યા છે. જ્યારે બિસ્કિટ, વેફર્સ, કેક અને કૂકીઝ જેવા પેકેજ્ડ ખાદ્ય પદાર્થોની તપાસ IRMM ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવે છે. કેટરિંગ સ્ટોલ પર ખાદ્ય પદાર્થોની જાળવણી, સંગ્રહ અને સાફ-સફાઈ પર પણ ખાસ નજર રખાઈ રહી છે.

પીવાના પાણીની વૈજ્ઞાનિક તપાસ અને લક્ષ્યાંક:
સ્ટેશન પરિસરમાં આવેલા વોટર કૂલર, વોટર હટ અને વોટર બૂથ પરથી લેવાયેલા પાણીના નમૂનાનું બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ ડિવિઝનલ રેલવે હોસ્પિટલની લેબોરેટરીમાં કરાય છે, જેમાં એસિડ ફોર્મેશન, ગેસ ફોર્મેશન અને ઈ. કોલાઈ (E. coli) ના પરીક્ષણનું પરિણામ ત્રણ દિવસમાં મળે છે. ઝડપી તપાસ માટે H₂S બેક્ટેરિયલ સ્ટ્રીપ ટેસ્ટ કરાય છે, જેનું પરિણામ ૨૪ કલાકમાં મળે છે.

પાણીનું રાસાયણિક વિશ્લેષણ NABL માન્યતા પ્રાપ્ત: લેબોરેટરીમાં કરાવાય છે, જેમાં ભારતીય રેલવેની જળ પુરવઠા નીતિ અનુસાર ૨૩ નિર્ધારિત માપદંડો ચકાસાય છે. રાજકોટ ડિવિઝનમાં પ્રત્યેક હેલ્થ ઇન્સ્પેક્ટર માટે દર મહિને ઓછામાં ઓછા ૨૬ બેક્ટેરિયોલોજીકલ અને ૨ કેમિકલ પાણીના નમૂના તપાસવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેમજ પાણીમાં ફ્રી ક્લોરિન (Free Residual Chlorine) ની પણ નિયમિત ચકાસણી થાય છે.

બહુ-સ્તરીય નિરીક્ષણ:
હેલ્થ ઇન્સ્પેક્ટર, કોમર્શિયલ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર અને વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા બહુ-સ્તરીય નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે મુસાફરોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને સઘન તપાસ થઈ રહી છે અને આ અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે ગુણવત્તાયુક્ત ભોજન તથા સલામત પાણી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે.

(12:20 AM IST)