News of Tuesday, 15th September 2026
પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ, માત્ર બે ઇંચ વરસાદમાં ગોંઠણભેર પાણી ભરાયા
હજૂ વોર્ડ નં. ૧૪માં વોકળા પેક થાય તે પહેલા પાણીના પ્રવાહ ચકાસી લેવા લોકસંસદ વિચાર મંચની ટકોર

રાજકોટ, તા. ૧પઃ લોક સંસદ વિચાર મંચના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, શક્તિસિંહ ઝાલા, અશોકભાઈ બુટાણી મગનભાઈ પટેલ ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં સદંતર ફલોપ પુરવાર થયું છે. શહેરના સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનના આંકડા મુજબ ૧:૪૫ થી ૨ ઇંચ વરસાદ પડતા મેઘરાજાએ રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખોલી નાખી હતી.
શહેરના મવડી તરફના બાપા સીતારામ ચોક, એસ્ટોન નાલુ, હેમુ ગઢવી હોલ પાસે, સોરઠીયા વાડી, માસ્તર સોસાયટી, હસનવાડી, નંદાહોલ પાસે, પોપટ પરા નાલુ સહિતના અનેક વિસ્તારોમાં શહેરીજનોને હાલાકી ભોગવવી પડી હતી અને રસ્તાઓ બંધ થયા હતા. શહેરના મસ મોટા અને કુદરતી પાણીના નિકાલની જે વ્યવસ્થા હતી તે વોકળાઓ બંધ કરી દીધા અને અમુક વોકળાઓ ખુદ રાજકોટ મહાનગરપાલિકાએ ભરતી ભેરણીમાં વેચી મારી વોકળાઓ ઉપર આલીસન બિલ્ડીંગો બનાવી દીધી. જેના કારણે પાણી ભરાવાની યાતનાઓ શરૂ થઇ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ બાબતે સ્ટ્રોમ વોટર સિસ્ટમ ના રૂપકડા નામ આપી કરોડો રૂપિયાના ખર્ચ કરવા છતાં આ સિસ્ટમ કાર્યરત ન થતા તેનું બાળ મરણ થયું. વોકળા નેસ્ત નાબૂદ કરતા કહેવાતા સ્માર્ટ સિટીમાં લોકોને જો વધારે વરસાદ આવે તો હીઝરત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ખૂદ રાજકોટની મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોવાનું લોકસંસદ વિચાર મંચે જણાવ્યું છે.
વોકળાઓ વેચી મારતા જે પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે તેનાથી મહાનગરપાલિકા વાકેફ છે. તેમ છતાં શહેરના બે પાંચ વોકળાઓ બાકી રહ્યા છે તેમાંનો વોર્ડ નંબર ૧૪ નો જુના પારડી માર્ગ પરનો આ વોકળો પણ હવે નેસ્ત નાબૂદ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તજવીજ હાથ કરી તે સ્થળે બે માળનો કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન બનાવવા અંગે હિલચાલ આદરી છે જેનો લતાવાસીઓ દ્વારા વિરોધ એટલા માટે કરાયો છે.
વોર્ડ નંબર ૧૪ નો ખુલ્લો વોકળો છે. તસવીરમાં દેખાય છે. રાજકોટના મહાનગરપાલિકા આ પૂરના પ્રવાહમાં અવરોધ કરી ત્યા બિલ્ડીંગો બનાવવાની હિલચાલ આદરી છે. જેનો વિરોધમાં વિરોધાત્મક કાર્યક્રમો આપવામા આવી રહ્યા છે. લતાવાસીઓ દ્વારા મુખ્યમંત્રી સ્વાગતમાં પ્રશ્ન રજૂ કરાયો છે. સામાન્ય વરસાદના આંકડાથી આવેલ આ જુના પારડી માર્ગ પરના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચે ના ધસમસતા વોકળાના પૂરની તસવીરો જોઈ લેવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જાગળત નાગરિકો અને લોકસંસદ વિચાર મંચે ટકોર કરી છે.
(3:39 PM IST)










