News of Thursday, 21st May 2026
રાજકોટ જિલ્લા પંચાયતમાં એક માત્ર હરીશભાઇ ધનેશા ૩ વખત પ્રમુખ બન્યા
રવિવારે નવા પ્રમુખ-ઉપપ્રમુખ ઉમેદવારી કરશે, સોમવારે સત્તારૂઢ થશે : જિલ્લા વિભાજન વખતે પી.જી. કયાડાને અઠવાડિયુ તક મળેલઃ રાજકોટ તાલુકામાંથી નિલેષ વિરાણી, ભૂપત બોદર અને પ્રવીણાબેન રંગાણી પ્રમુખ બન્યાઃ લોધિકા તાલુકાને કદી પ્રમુખ પદ મળ્યુ નથી

રાજકોટ, તા. ર૧: જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તા. ર૪ રવિવારે ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય છે અને બીજા દિવસે બપોરે સામાન્ય સભામાં વિધિવત ચૂંટણી થશે કુલ ૩૬ માંથી ૩૪ બેઠકો ભાજપને મળી હોવાથી ભાજપ મોવડી મંડળ જેની પસંદગી કરે તે બિનહરીફ ચૂંટાવાનું નકકી છે. પ્રમુખપદ બક્ષીપંચ અનામત છે. જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહી ચુકેલા જેતપુરના વીરપુર ગામના હરીશભાઇ ધનેશાને ૩ વખત પ્રમુખ બનવાની તક મળેલ પંચાયતના રેકોર્ડ મુજબ ૩ વખત પ્રમુખની ખુરશી સંભાળનારા તેઓ માત્ર વ્યકિત છે. ત્રણ વખત થોડા થોડા સમય માટે પ્રમુખ બન્યા હતા. અત્યાર સુધીમાં લોધિકા તાલુકાને કદી પ્રમુખપદ મળ્યુ નથી.
હરીશભાઇ ધનેશાએ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૭૭ થી ૧૧ એપ્રિલ ૧૯૭૭ સુધી, તા. ૭ જુની ૧૯૮૦ થી ર૮ જુલાઇ ૧૯૮૦ સુધી અને ત્રીજી વખત ૧ર મે ૧૯૮૯ થી તા. ર ઓગષ્ટ ૧૯૮૯ સુધી પ્રમુખની જવાબદારી સંભાળેલ. તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
ઉપરાંત જેતપુર તાલુકાના રામજીભાઇ રાદડિયા (ભાજપ) તા. ૭ જુલાઇ ૧૯૯પ થી તા. ૬ જુલાઇ ર૦૦૦ સુધી સળંગ પાંચ વર્ષ પ્રમુખ તરીકે રહયા હતા. રાજકોટમાંથી મોરબી જિલ્લાના વિભાજન વખતે પી.જી. કયાડા (થાણાગાલોળ-જેતપુર) તે તા. ર૬ ડીસેમ્બર ર૦૧૪ થી તા. ૩ જાન્યુઆરી ર૦૧પ સુધી પ્રમુખ પદ સંભાળવાની તક મળી હતી. હમણા જ પુરી થયેલી અઢી વર્ષની ટર્મમાં તેઓ કારોબારી સમિતિના અધ્યક્ષ રહ્યા હતાં.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ૧૯૬૪ થી અત્યાર સુધીમાં ૬ર વર્ષમાં રાજકોટ તાલુકામાંથી ચૂંટાયેલા ૩ સભ્યો નિલેષ વિરાણી, ભૂપત બોદર અને પ્રવીણાબેન રંગાણી પ્રમુખપદે રહી ચૂકયા છે. પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ વલ્લભભાઇ પી. પટેલ (કોંગ્રેસ) ગોંડલના કોલીથડના હતાં.જામકંડોરણામાંથી રામજીભાઇ માવાણી, ચેતનાબેન રાદડિયા, ભાવનાબેન બાલઘા અને કંચનબેન બગડા પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુકયા છે. હાલ ૧૭ માર્ચ ર૦ર૬ થી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન હોવાથી કલેકટર ઓમપ્રકાશ વહીવટદાર તરીકે છે
(1:40 PM IST)










