News of Thursday, 17th September 2026
નરેન્દ્રભાઈના જન્મદિને રંગીલા રાજકોટીયનોને રૂ.૯૦૦ કરોડના વિકાસકામોની ભેટ
સ્ટેન્ડિંગ કમિટીની મહોર : ૬ હેડ હેઠળ ૨૭૨ કામોની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને મોકલાશે : પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અપાઇ

શહેરમાં ૯૦૦ કરોડ વિકાસકામોને મંજુરીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇના જન્મદિને રાજકોટમાં ૯૦૦ કરોડના વિકાસકામોને મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ મંજુરીની મહોર મારી હતી. જેમાં અર્બન મોબીલીટી, એન્ટ્રી ગેટ, વોટર-વે, લાયન સફારી પાર્ક સહિતના વિકાસકામો અંગે આજે મેયર ડો.નેહલ શુકલ, શહેરભાજપ પ્રમુખ માધવ દવે, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. (તસવીરઃઅશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં અંદાજે રૂ. ૯૦૦ કરોડના ૨૭૨ વિકાસકામોની દરખાસ્તને બહાલી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે છ અલગ-અલગ હેડ હેઠળ આ કામો સૂચવવામાં આવ્યા છે. હવે ગ્રાન્ટ મેળવવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
મેયર ડો. નેહલ શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આપેલી માહિતી મુજબ, વિકાસકામોમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટથી માંડી શાળા, આરોગ્ય કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, બ્રિજ, રિંગરોડ, આજી રિવર રિડેવલપમેન્ટ અને નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાની સત્તાવાર વેબસાઇટ પણ ૨૦૨૬-૨૭નું બજેટ ઉપલબ્ધ હોવાનું દર્શાવે છે.
ભૌતિક આંતરમાળખાકીય સુવિધા હેઠળ ૧૩૮ કામો માટે રૂ. ૪૨૮.૩૪ કરોડની જોગવાઈ સૂચવાઈ છે. તેમાં રસ્તા, પાણી પુરવઠો, આનુષંગિક મશીનરી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટલાઇટ, સ્ટોર્મ વોટર, સ્મશાનગૃહ, અર્બન ફોરેસ્ટ, અગ્નિશામક સાધનો અને ફાયર સ્ટેશન સહિતના કામો સામેલ છે.
સામાજિક માળખાકીય સુવિધા હેઠળ ૪૩ કામો માટે રૂ. ૧૨૧.૦૭ કરોડ સૂચવાયા છે. શાળાના મકાનો, અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, પ્લે ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, વેન્ડર તથા વેજિટેબલ માર્કેટ અને પે એન્ડ યુઝ ટોઇલેટના કામો હાથ ધરવાનું આયોજન છે.
અર્બન મોબિલિટી અને શહેરી પરિવહનના ૪ કામ માટે રૂ. ૧૧.૦૫ કરોડ, જ્યારે શહેરની આગવી ઓળખ ઊભી કરતા ૧૨ કામ માટે રૂ. ૭૭.૦૩ કરોડ સૂચવાયા છે. તેમાં વેસ્ટ ઝોનના બીજા રિંગરોડ અને જામનગર જંકશન રોડ પર ભવ્ય એન્ટ્રી ગેટ, વોર્ડ નં.૩માં નવા વોટર-વે, લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા, ગાર્ડન બ્યુટિફિકેશન તથા આજી રિવર રિડેવલપમેન્ટના કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૪૦ કામ માટે રૂ. ૧૨૦ કરોડ સૂચવાયા છે. તેમાં ત્રણેય ઝોનના એકશન પ્લાન, ટી.પી. રોડ પહોળા કરી પેવર કરવા, સીસી રોડ, પેવિંગ બ્લોક અને ફૂટપાથ ઉપરાંત ચોમાસામાં નુકસાન પામેલા તથા પાણી-ગટરનાં કામોને કારણે તૂટેલા રસ્તાઓના પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે
(3:40 PM IST)










