તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 23rd April 2026
રાજકોટની વધુ એક સોસાયટીમાં ભાજપને ‘નો એન્ટ્રી'ના બોર્ડ લાગ્યાઃલોકોમાં રોષ
બે હજાર લોકોની ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીમાં રોડ, સફાઇ, સ્ટ્રીટ લાઇટના અનેક પ્રશ્નો

રાજકોટ, તા.૨૩ : મનપાની ચૂંટણીના મતદાન પૂર્વે અલગ-અલગ વિસ્તારમાં સુવિધાના અભાવે હેરાન થતા લોકોનો આક્રોશ દેખાઇ રહ્યો છે. આજે શીતલ પાર્ક પાસેના બે હજાર લોકોની સોસાયટીમાં ભાજપે પ્રવેશ ન કરવાના બોર્ડ લાગતા દોડધામ મચી છે.
લોકોએ આજે બેનર મારીને વિરોધ કાર્યક્રમ પણ યોજયો હતો. શીતલ પાર્ક પાસે આવેલ ઓસ્કાર સ્કાય પાર્કમાં ૨હજારથી વધુ લોકો રહે છે છેલ્લા બે વર્ષથી લેખિત,મૌખિક અને ટેલીફોનિક રજૂઆત કરી હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન,કોર્પોરેટર અને મનપાના અધિકારીઓએ રોડ રસ્તા,ગંદકી, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધામાં ધ્યાન ન આપતા સોસાયટીમાં ભાજપે પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવ્યા છે અને આકર્ષક પ્લેકાર્ડ વડે વિરોધ કર્યો હતો. આ વિસ્તારના લોકોએ ટીપીના નિયમ મુજબ ૪૦ ફૂટનો રોડ કરી આપવા માંગણી કરી છે તો સફાઈ કર્મીઓ આવતા નથી.
એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, મુખ્ય ગેટની સામે ખુલ્લા પ્લોટમાં દબાણ દૂર કરી સેફ્ટી વોલ કરવી. રોડની બંને બાજુ પેવિંગ બ્લોક નાખવા સહિતની માંગ અને ફરિયાદો કરી છે. ‘વોટ જોઈએ તો કામનો હિસાબ આપો, નહીં તો સોસાયટી બહારનો રસ્તો માપો' - એવા બેનરોથી ભારે ચકચાર જાગી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:52 PM IST)










