<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

રાજકોટના સાગરભાઇ પાસેથી સરધાર રહેતાં ભત્રીજા વશરામે ૧૮.૬૨ લાખ મેળવી શેર બજારમાં ઉડાવી દીધા

જેને ગેરેજમાં કામ શીખવા સાથે રાખ્‍યો એણે જ આગળ જતાં દગાખોરી આચરી સોલાર બિઝનેસમાં રોકાણના નામે સાગરભાઇએ ફઇના દિકરાના દિકરા વશરામને વિશ્વાસે નાણા દીધા હતાં: છેલ્લે તેણે કહ્યું-હવે રૂપિયા ભુલી જા, માંગીશ તો જીવતો નહિ છોડું: આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬:  કોઠારીયા ગામે હેરીટેઝ સોસાયટીમાં મકાન ધરાવતાં અને હાલ મવડી મેઘાણી પરિવારના મઢ પાસે મધુવન સોસાયટી-૨માં રહેતાં યુવાન સાગરભાઇ જેન્‍તીભાઇ રાદડીયા (ઉ.વ.૩૦) સાથે તેના સરધાર મુકામે રહેતા ફઇના દિકરાના દિકરા એવા ભત્રીજા વશરામ શૈલેષભાઇ પાધરાએ સોલાર પેનલના બિઝનેસમાં રોકાણ કરાવવાના બહાને રૂા. ૧૮,૬૨,૩૦૦ મેળવી આ રકમ શેર બજારમાં ઉડાવી દઇ માથે જતાં જીવતો નહિ રહેવા દઉ તેવી ધમકી આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે સાગરભાઇ રાદડીયાની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપી વશરામ પાધરાની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદની વિગત અનુસાર મવડી વિસ્‍તારમાં આવેલ પટેલ ગેરેજ ચલાવતા સાગરભાઈ રાદડીયા મુળ કોઠારીયાના વતની છે. વર્ષ ૨૦૨૩માં તેમના ફઇ  રંભાબેનના દિકરાનો દિકરો વશરામ શૈલેષભાઈ પાધરા સરધારથી તેમની પાસે ગેરેજનું કામકાજ શીખવા આવ્‍યો હતો.

ગેરેજનું કામ ન ફાવતાં વશરામે અન્‍ય એક વ્‍યક્‍તિ અંકુરભાઈ વકેરીયા સાથે ભાગીદારીમાં પી.જી.વી.સી.એલ. ના બિલો ભરવા તથા ક્રેડિટ કાર્ડનું કામકાજ શરૂ કર્યું હતું. ત્‍યારબાદ વશરામે કાકા સાગરભાઈને સોલાર પેનલનો ધંધો શરૂ કરવાની વાત કરી હતી અને તેમાં રોકાણ કરવાથી મોટો નફો થશે તેવી લાલચ આપી હતી.

આથી સાગરભાઈએ ભત્રીજા વશરામના વિશ્વાસ પર આવીને તા. ૧૮/૦૪/૨૦૨૩ થી તા. ૦૩/૦૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન રોકડેથી તથા બેંક ટ્રાન્‍સફર મારફતે કુલ રૂ. ૨૬,૦૯,૯૬૦ સોલારના ધંધા અર્થે આપ્‍યા હતા. સામે પક્ષે, વશરામે તા. ૧૯/૧૨૨૦૨૩ થી તા. ૦૪/૦૨/૨૦૨૬ દરમિયાન બેંક ખાતા દ્વારા તથા રોકડા મળીને કુલ રૂ. ૭,૪૭,૬૬૦ પરત આપ્‍યા હતા. આમ, હિસાબ મેળવતાં વશરામ પાસે કાકા સાગરભાઇના બાકી નીકળતા રૂ. ૧૮,૬૨,૩૦૦  લેવાના નીકળતા હતા.

આ પછી ઓગસ્‍ટ-૨૦૨૫માં જ્‍યારે સાગરભાઈએ પોતાના રોકાણના પૈસા પરત માગ્‍યા ત્‍યારે વશરામે એવું બહાનું બતાવ્‍યું હતું કે તેણે અંકુરભાઈ સાથે ધંધો અલગ કરી લીધો છે અને પૈસા અંકુરભાઈ પાસે છે. પરંતુ સાગરભાઈએ અંકુરભાઈનો સંપર્ક કરતા જાણવા મળ્‍યું હતું કે વશરામે બારોબાર શેરબજારનું કામકાજ શરૂ કર્યું હતું અને મનાઈ કરવા છતાં શેરબજાર ચાલુ રાખતાં અંકુરભાઈએ તેને નવેમ્‍બર-૨૦૨૪ માં નોકરીમાંથી છૂટો કરી દીધો હતો.

સાગરભાઈ અને તેમના પરિવારે વશરામ પાસે ઉઘરાણી ચાલુ રાખી ત્‍યારે તેણે જણાવ્‍યું કે રણુજા હોલ પાસે આવેલા મકાનની લોન પૂરી કરી બીજી લોન લેવી છે અથવા મકાન વેચીને તમામ પૈસા ચૂકવી દેશે. પરંતુ લાંબો સમય વિતવા છતાં એક પણ રૂપિયો પરત આપ્‍યો નહોતો. આ દરમિયાન આજથી એક મહિના પહેલા વશરામ સાગરભાઈના ગેરેજે આવ્‍યો હતો અને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે હવે રૂપિયા ભૂલી જા, જો હવે મારી પાસે રૂપિયા માંગ્‍યા છે તો જીવતો નહીં રહેવા દઉં. અંતે સાગરભાઇએ પોતાના ફઇના દિકરાના દિકરા વશરામ વિરૂધ્‍ધ ૧૮.૬૨ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવતાં આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:41 PM IST)