News of Thursday, 21st May 2026
માધવ રેસીડેન્સીમાંથી નેપાળી શખ્સ રૂા. ૩૦ લાખ ઉસેડી ગયોઃ પોલીસની ટીમે નેપાળ બોર્ડર તરફ પગેરૂ દબાવ્યું
કિડવાઇનગર રોડ પર કોૈશિકભાઇ અઢીયાના ઘરમાં બનાવઃ પરિવારજનો આસામ ફરવા જતાં રેઢા ઘરમાંથી કાર સાફ કરવા આવતો નેપાળી હાથ સાફ કરી ગયો

રાજકોટ તા. ૨૧: શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કિડવાઈ નગર મેઈન રોડ નજીક આવેલી માધવ રેસીડેન્સીમાં મોટી ચોરીની ઘટના બની છે. બંગલાના માલિકનો પરિવાર આસામ ફરવા ગયો હોઇ તકનો લાભ ઉઠાવી, દરરોજ સવારે કાર સાફ કરવા આવતાં નેપાળી નોકરે સાગ્રીતો સાથે મળી આ બંગલામાંથી ૩૦ લાખની માલમત્તા ચોરી લેતાં અને ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મોરબી રવાપર રોડ પર એવન્યુ પાર્કમાં રહેતાં પ્રવિણચંદ્ર હીરાલાલ અઢીયા (ઉ.વ.૭૪)ની ફરિયાદ પરથી નેપાળી નોકર વીરાજ ઉર્ફે રાજ તેજબહાદુર દમાઇ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મુજબ પ્રવિણચંદ્ર તેમના પત્નિ સાથે મોરબી રહી નિવૃત જીવન જીવે છે. તેમનો દિકરો કૌશિકભાઈ અઢીયા રાજકોટમાં અભય ભારદ્વાજ હોલની સામે, માધવ રેસીડેન્સીના બ્લોક નંબર ૯માં ‘ઈશા વાસ્ય' નામના બંગલામાં પરિવાર સાથે રહે છે અને સાઈન બોર્ડ તેમજ ફોટો ફ્રેમનો ધંધો કરે છે. ગત તારીખ ૦૮/૦૫ના રોજ પ્રવિણચન્દ્રભાઈ અને તેમના પત્નિમંજુલાબેન મોરબીથી રાજકોટ દિકરાના ઘરે આવ્યા હતા. કૌશિકભાઈનો પરિવાર તારીખ ૧૧/૦૫ના રોજ આસામ ગુવાહાટી ખાતે ફરવા જવાનો હોવાથી રાત્રે અમદાવાદ એરપોર્ટ જવા નીકળ્યો હતો.
ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ ૧૨/૦૫ના રોજ બપોરે ચારેક વાગ્યે વળદ્ધ દંપતી પણ બંગલાને વ્યવસ્થિત તાળું મારીને પરત મોરબી પોતાના ઘરે ચાલ્યું ગયું હતું. ગઈકાલે રાત્રે કૌશિકભાઈનો પુત્ર ધૈર્ય આસામથી મિત્રો સાથે પરત ફર્યો હતો. આથી પ્રવિણચન્દ્રભાઈ, તેમના પત્નિ અને તેમના વ્યાપારી ભાગીદાર અમિતભાઈનો પરિવારજનો મોરબીથી રાજકોટ માધવ રેસીડેન્સી ખાતે આવ્યા હતા. પ્રવિણચન્દ્રભાઈએ જ્યારે બંગલાના મુખ્ય રૂમનું તાળું ખોલીને અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નીચેના રૂમમાં બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો, લાકડાના કબાટના દરવાજા ખુલ્લા હતા અને કપડાં વેરવિખેર હતાં. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કબાટની અંદર રાખેલી ભારેખમ લોખંડની તિજોરી ગાયબ હતી. આ તિજોરીમાં ધંધાના અને ઘરના રોકડા ૩૦,૦૦,૦૦૦ રાખેલા હતા.
બંગલાના ઉપરના માળે તપાસ કરતા ત્યાં પણ સામાન અસ્તવ્યસ્ત હતો. અગાશી તરફ જતાં લાકડાના દરવાજાનો નકુચો તુટેલો જોવા મળ્યો હતો. વધુ તપાસ દરમિયાન માધવ રેસીડેન્સીની બાજુમાં આવેલી દુકાનની અગાસીપરથી કૌશિકભાઈની એ લોખંડની તિજોરી તૂટેલી હાલતમાં મળી આવી હતી, જેમાંથી તમામ૩૦ લાખની રોકડ ગાયબ હતી.
બંગલામાં ચોરીની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં કૌશિકભાઈની કાર સાફ કરવા માટે દરરોજ સવારે આવતો વીરાજ ઉર્ફે રાજ (મુળ રહે. કૈલાલી, નેપાળ) આ ચોરી કરી ગયાનું સ્પષ્ટ થયું હતું. ફૂટેજમાં તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ની મધ્યરાત્રિએ બાર વાગ્યા આસપાસ નેપાળી અને તેના સાગરીતો સોસાયટીના મેઈન ગેટથી બંગલા તરફ જતા દેખાય છે. ત્યારબાદ સવારે પોણા ચાર વાગ્યે આ નેપાળી શખ્સો હાથમાં એક મોટો થેલો લઈને સોસાયટીના ગેટથી બહાર નીકળતી સ્પષ્ટ નજરે પડે છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પીઆઇ એચ. પી. ગઢવીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પણ તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી પોલીસની ટીમ નેપાળી શખ્સનું પગેરૂ દબાવતી નેપાળ બોર્ડર સુધી પહોંચી ગયાનું જાણવા મળ્યું છે.
(3:37 PM IST)










