News of Saturday, 25th July 2026
જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ મેદાન ભાડે આપશેઃ કવાયત
નાનામૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમિન માર્ગ કોર્નર પરના પ્લોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ થશે

રાજકોટ, તા.૨૫:સાતમ-આઠમના તહેવાર દરમિયાન રેસકોર્સના લોકમેળાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી મેળાનું ચલણ સતત વધી રહ્યું છે. આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ખાનગી મેળાઓ યોજવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ ટીપી પ્લોટ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એસ્ટેટ વિભાગ ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરશે.
ખાનગી મેળા માટે નક્કી કરાયેલા પ્લોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાનામૌવા સર્કલ પાસે પેટ્રોલ પંપની બાજુનો ૯,૪૩૮ ચો.મી.નો ટીપી પ્લોટ, સાધુવાસવાણી રોડ પર રાજ પેલેસ બિલ્ડિંગ સામેનો ૫,૩૮૮ ચો.મી.નો પ્લોટ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અમિન માર્ગ કોર્નર ખાતે ઝેડબ્લ્યુ સામેનો ૪,૬૬૯ ચો.મી.નો પ્લોટનો સમાવેશ થાય છે.
મહાનગર પાલિકાએ પ્રતિ ચો.મી. પ્રતિ દિવસ રૂા. ૫ની અપસેટ કિંમત નક્કી કરી છે. જો એક જ પ્લોટ માટે એકથી વધુ અરજીઓ આવશે તો અપસેટ કિંમત કરતાં વધુ ભાવ આપનાર અરજદારને પ્લોટ ફાળવવામાં આવશે. ખાનગી મેળા માટે અંદાજે એક મહિના માટે પ્લોટ ભાડે અપાશે, જોકે તેની ચોક્કસ સમયમર્યાદા હજુ નક્કી કરાઈ નથી.
અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી મેળાના સંચાલકો દ્વારા ત્રણેય પ્લોટ અંગે પૂછપરછ શરૂ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી ખાનગી મેળા માટે પ્લોટ ફાળવણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪માં સાતમ-આઠમ દરમિયાન સતત પાંચ દિવસ ભારે વરસાદ પડતાં લોકમેળા અને ખાનગી મેળાઓમાં એકપણ મુલાકાતી પહોંચ્યો નહોતો. આકરી શરતો અને વરસાદની સંભાવનાને કારણે ટેન્ડર પ્રસિધ્ધ થયા હોવા છતાં એક પણ ખાનગી મેળો યોજાયો નહોતો અને મહાનગરપાલિકાને કોઈ આવક થઈ નહોતી. જોકે આ વર્ષે શરૂઆતથી જ ખાનગી મેળા માટે રસ જોવા મળતાં ત્રણ પ્લોટ ભાડે આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
(3:30 PM IST)










