<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જંગલેશ્વરમાં ઇકબાલભાઇ જુનાગઢીની હત્‍યામાં વધુ એક આરોપી ઝડપાયો

ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ ગોહિલ, નિલેષભાઇ મકવાણા અને ટીમે અગાઉ કાવત્રાખોર ગુડ્ડીને પકડી હતીઃ વધુ પાંચ આરોપીઓની શોધખોળ

રાજકોટ તા. ૭: જંગલેશ્વરના ખ્‍વાજા ચોક નજીક ગત શુક્રવારે રાત્રીના પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતા રીક્ષાચાલક ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઈબ્રાહીમભાઈ લોધી (ઉ.વ.૫૬)ની પાઇપના ઘા ઝીંકી હત્‍યા કરવાના ગુનામાં કાવત્રાખોર તરીકે એક મહિલાની ધરપકડ થયા બાદ ભક્‍તિનગર પોલીસે મુખ્‍ય ત્રણ પૈકી એક આરોપી અબુસફિયાન હનીફભાઇ મુકાસમ (આરબ)ને ઝડપી લીધો હતો. જયારે  ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ શખ્‍સ સહિત અન્‍ય પાંચ આરોપીઓની શોધખોળ યથાવત રખાઇ છે.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વરમાં આવેલા ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ પાસે  પાનની દુકાન પાસે શુક્રવારે રાત્રીના સામે જોવા જેવી નજીવી બાબતે પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતા રીક્ષાચાલક ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢીની હત્‍યામાં પોલીસે મૃતકના પુત્ર સોહિલે નોંધાવેલી ફરિયાદમાં દાનિશ અમીનભાઇ, સુફિયાન હનીફભાઇ આરબ અને રિયાઝ સહિત ત્રણ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં ે જંગલેશ્વરના નિલમ પાર્કમાં રહેતી રોશનબેન ઉર્ફે ગુડ્ડી અબ્‍દુલ્લા ધાડાની ધરપકડ કરી હતી. રોશન ધાડા કાવતરામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રોશનબેન ઉર્ફે ગુડ્ડી ઉપરાંત અફઝલ અને શાહનવાઝ નામના વધુ બે આરોપીની પણ સંડોવણી ખુલી હતીે. જેમાં શાહનવાઝ ઉર્ફે નવાજ  મુસ્‍તાક વેતરણ (રહે. ખ્‍વાજા કા કરમ નિલમ પાર્ક સોસાયટી દેવપરા પાસે કોઠારીયા રોડ) કુખ્‍યાત મુરઘા ગેંગનો સાગરીત છે અને તે તાજેતરમાં જ ગુજસીટોકના ગુનામાં જામીનમુક્‍ત થયો હતો.

આ દરમિયાન એક આરોપી અબુસફિયાન હનીફભાઇ મુકાસમ (ઉ.વ.૨૪-રહે. રામનાથપરા, અલ્લારખા હાઇસ્‍કૂલ પાસે)ને પકડી લીધો છે. પાઇપના ઘા કરવામાં આ શખ્‍સ પણ સાથે હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું. ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. એચ. ગોહિલ, એએસઆઇ નિલેશભાઇ મકવાણા તથા ટીમે આ કામગીરી કરી બીજા આરોપીઓની શોધખોળ યથાવત રાખી છે.

(3:46 PM IST)