<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

રાજકોટમાં રાત્રિના મેઘરાજાની બેટિંગઃ ૧ ઇંચ પાણી પડયા બાદ સવારથી વાદળછાયું વાતાવરણ, આજે પણ પધરામણીના સંકેત!

હવામાન વિભાગની આગાહીઃ આકાશમાં કાળાડિબાંગ વાદળોનું સામ્રાજ્‍ય, ગમે ત્‍યારે ધબધબાટી બોલાવી શકે છે વરસાદ : અસહ્ય બફારા અને ગરમી વચ્‍ચે રાત્રે હળવાથી મધ્‍યમ ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ રેઈનકોટ-છત્રી બહાર કાઢવા જનતા તૈયાર

રાજકોટ : આજે લેટેસ્ટ ઇનસેટ સેટેલાઇટ તસવીરમાં મુંબઇ અને મહારાષ્ટ્ર ઉપર અતિ ભારે વાદળા ખડકાયેલા જાવા મળે છે.

રાજકોટ, તા.૦૬: રાજકોટવાસીઓ જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાએ ગઈકાલે મોડી રાત્રે શહેરમાં વિધિવત અને ધમાકેદાર હાજરી પુરાવી દીધી હતી.  છેલ્‍લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ગયેલા રાજકોટીયનોને રાત્રિના સમયે વરસેલા હળવાથી મધ્‍યમ વરસાદે મોટી રાહત આપી છે. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદી રાઉન્‍ડમાં આખા શહેરમાં સરેરાશ ૨૨.૨ મી.મી. (અંદાજે ૧ ઈંચ) જેટલું પાણી  પડયું હતું.

રાત્રિના વરસાદ બાદ આજે વહેલી સવારથી જ રાજકોટના આકાશમાં કાળાડિબાંગ વાદળોએ ડેરાતંબુ તાણ્‍યા છે. હવામાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા સુધી પહોંચી જતાં અને સૂર્યનારાયણ વાદળોની ઓથમાં છુપાઈ જતાં આખું શહેર જાણે અષાઢી રંગે રંગાયું હોય તેવો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટવાસીઓના મનમાં અત્‍યારે એક જ સવાલ રમી રહ્યો છે કે, શું આજે પણ વરસાદ આવશે? હવામાન વિભાગ અને સ્‍થાનીય વેધર ફોરકાસ્‍ટના જણાવ્‍યા અનુસાર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મોનસૂન સિસ્‍ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકી છે. આજે પણ શહેરમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના (૫૫% થી ૬૦% શક્‍યતા) વ્‍યક્‍ત કરવામાં આવી છે. આકાશની સ્‍થિતિ જોતાં ગમે ત્‍યારે મેઘરાજા ફરીથી ધબધબાટી બોલાવીને પધરામણી કરે તેવી પૂરેપૂરી શક્‍યતા છે.

આગામી ૨૪ કલાક રાજકોટ માટે વરસાદી માહોલના જ રહેશે, જેથી નાગરિકોને કામ વગર બહાર નીકળતી વખતે છત્રી કે રેઈનકોટ સાથે રાખવા તંત્ર દ્વારા પણ હળવી અપીલ કરાઈ છે. મેઘરાજાના આ બીજા રાઉન્‍ડથી ધરતીપુત્રોમાં પણ ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

 

(10:49 AM IST)