News of Friday, 6th November 2026
વેન્સન એનર્જીનું બેંક ખાતું ફ્રીઝ થતાં LPG ગેસ સપ્લાય ખોરવાયોઃ સમગ્ર સંચાલન ઠપ્પ
તહેવારોમાં કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચ અટકયાઃ સંકટ અંગે વેસન એનર્જી લિમિટેડે સચ્ચાઇ સામે મૂકી માત્ર એક ડિરેકટરના એક તરફી નિર્ણયથી આખી કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સર્જાઇ સ્થિતિ

રાજકોટઃ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક પાયે LPG ગેસ સિલિન્ડરનું વિતરણ કરતી વેન્સન એનર્જી લિમિટેડનું બેંક ખાતું અણધારી રીતે ફ્રીઝ થતાં કંપનીના વ્યવસાય અને ગેસ સપ્લાય વ્યવસ્થાને અસર પહોંચી છે. આ પરિસ્થિતિને પગલે કંપનીએ પોતાના ડિસ્ટ્રિબ્યુટર્સ, ડીલર્સ, ગ્રાહકો અને કર્મચારીઓ સમક્ષ સત્તાવાર નિવેદન જાહેર કરીને સમગ્ર ઘટનાક્રમની વિગતો પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી.
કંપનીના જણાવ્યા અનુસાર, બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો અંગે મળેલી માહિતીના આધારે HDFC બેંકના કસ્ટમર કેર વિભાગ સાથે સંપર્ક અને તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કંપનીના એક ડિરેક્ટર દ્વારા બેંકને કરવામાં આવેલી જાણકારીના આધારે ખાતા પર ‘નો-ડેબિટ' નિયંત્રણ લાગુ થયું હતું. કંપનીનું કહેવું છે કે આ નિર્ણય અન્ય ડિરેક્ટરોની પૂર્વ સંમતિ વિના લેવાયો હતો.આમ બેંક ખાતું ફ્રીઝ થયા કંપનીનો સમગ્ર વ્યવહાર ખોરવાઇ ગયો છે.
બેંક ખાતું ફરી કાર્યરત કરવા માટે તમામ ડિરેક્ટરોની સર્વાનુમતે સંમતિ અને જરૂરી દસ્તાવેજોની માંગ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને કારણે કંપનીના નાણાકીય વ્યવહારો અટવાયા છે અને સંચાલનને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે માત્ર એક ડિરેકટરના એક તરફી નિર્ણયથી આખી કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
બેંક ખાતું ફ્રીઝ થવાની અસર કંપનીના રોજિંદા વ્યવહારો પર પણ પડી છે. દિવાળીના તહેવારો દરમિયાન કર્મચારીઓના પગાર, ઓફિસ ખર્ચ તેમજ અન્ય નાણાકીય ચુકવણીઓ અટકી ગઈ છે. બેંકિંગ વ્યવહારો અટકતાં ગેસની ખરીદી અને સિલિન્ડરના વિતરણ પર પણ અસર થવાની સ્થિતિ સર્જાઈ હોવાની કંપનીએ જણાવ્યુ છે.
કંપનીએ પોતાના નિવેદનમાં ડિરેક્ટર શ્રી જોગેશ બાવિશીના યોગદાન અને સહકારનો પણ ઉલ્લેખ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીની સ્થાપનાથી અત્યાર સુધી તેમણે કંપનીના વિકાસ અને સંચાલનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જરૂરિયાતના સમયે કંપનીને નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી હોવાનું નિવેદનમાં જણાવાયું છે.
વેન્સન એનર્જી લિમિટેડે જણાવ્યું છે કે બેંક ખાતું ફરી કાર્યરત થાય અને કંપનીનું કામકાજ સામાન્ય બને તે માટે જરૂરી કાયદાકીય અભિપ્રાયો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કંપનીએ તમામ હિતધારકોને ધીરજ રાખવા અને સહકાર આપવા અપીલ કરી છે.
તસ્વીરમાં પત્રકારો સમક્ષ વિગતો વણૃવતા કંપનીના ડિરેકટર જોગેશભાઇ બાવીસી અને સાથે અજયભાઇ જાપડા, હિરેનભાઇ ઓઝા, રાજવીબેન રાવલ, વિવેકભાઇ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










