<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભગીરથ પેટ્રોલ પંપ સામેથી 44.79 લાખનો દારૂ ઝડપાયો: ટ્રક સાથે બે પકડાયા

રાજકોટ પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા અને ટીમનો દરોડો: હેડકકન્સ. દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા, કોન્સ. વિશાલભાઇ દવેની બાતમી

​રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના અમલીકરણ માટે રાજકોટ પી.સી.બી.ની  ટીમ સતત કાર્યરત છે. આ દરમિયાન પી.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને એક મહત્વની સફળતા મળી છે.

​પી.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેને સંયુક્ત રીતે ગુપ્ત બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભગીરથ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટ્રક નં. HR-38-V-4961ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

​પોલીસે આ દરોડા દરમિયાન ટ્રક ચાલક થાનસિંહ તોતારામ કુશવાહ અને તેની સાથેના અન્ય એક શખ્સ ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના મનીયા તાલુકાના રહેવાસી છે. આ ગુનામાં અન્ય એક આરોપી સુમન ઔતારસિંગ ગુર્જરનું નામ પણ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

​મુદ્દામાલની વાત કરીએ તો, પોલીસે ટ્રકમાંથી એવર ગ્રીન રીઝર્વ વ્હીસ્કી અને ઓક્સિજન ઓરેન્જ વોડકાની કુલ 5,376 નંગ બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે 34.74 લાખ થાય છે. આ ઉપરાંત ₹10 લાખની કિંમતનો ટ્રક અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 44,79,912નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

​આ સફળ કામગીરીમાં પી.સી.બી.ના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સહિત એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી અને પોલીસ કોન્સ્ટેબલો તેમજ ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગઢવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

(2:31 PM IST)