News of Saturday, 23rd May 2026
રાજકોટ મુકીને ભાગી જા, મારા સિવાય કોઇ સાથે મિત્રતા રાખીશ તો ટાંટીયા ભાંગી નાંખીશ!
ભગતસિંહજી ગાર્ડન પાસે રહેતાં કરણ ભટ્ટને ઉમંગ ભુતે માર મારી ધમકી દીધીઃ પુષ્કરધામ રોડ પર બનાવઃ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨૩: જૂની અદાવતના કારણે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતાં એક યુવકને તેના જ જુના મિત્રએ ખાર રાખીં પાઇપથી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન નજીક ગુ.હા. બોર્ડના ક્વાર્ટર બ્લોક નં. ૫માં રહેતાં કરણ કિશોરભાઇ ભટ્ટ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ઉમંગ ભુત વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ઉમંગ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને પાર્ટટાઇમ રિક્ષા હંકારે છે. ફરિયાદ મુજબ કરણ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં મિત્ર સિદ્ધાર્થ જીતેન્દ્રભાઈ વાઘેલા સાથે રિક્ષાનો ફેરો કરીને પુષ્કરધામ મેઈન રોડ પર જાફર ચાની બાજુમાં ઉભો હતો. આ દરમિયાન કરણનો જૂનો મિત્ર ઉમંગ ભુત એક્સેસ મોટરસાયકલ લઈને ત્યાં ધસી આવ્યો હતો. તેણે કરણને પોતાની પાસે બોલાવીને જૂની અદાવતનો ખાર રાખી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
હુમલાખોર ઉમંગ ભુતે કરણને ધમકાવી-તને કીધું છે કે તું રાજકોટ મૂકીને જતો રહે જે અને તારે મારા સિવાય બીજા કોઈ મિત્રો સાથે સંબંધ રાખવાનો નથી, છતાં તું હજુ રાજકોટમાં આટા મારે છે? તેમ કહી ઉશ્કેરાઈ માથા તેમજ શરીરના ભાગે ઢીકાપાટુનો આડેધડ માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ધમકી આપી હતી કે-હવે પછી તું રાજકોટમાં મને કયાંય દેખાણો તો તારા ટાંટિયા ભાંગી તને પતાવી દઈશ.
ભોગ બનનાર કરણના જણાવ્યા મુજબ, ઉમંગ ઝનુની સ્વભાવનો અને ગુનાહિત પ્રવળત્તિ કરવાની ટેવવાળો હોવાથી તેણે એક મહિના પહેલા જ તેનાથી સંબંધ તોડી નાખ્યો હતો. જેનો ખાર રાખીને આરોપી ઉમંગે એક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર વોઇસ કોલ કરીને પણ ધમકી આપી હતી કે મારા સિવાય બીજા કોઈ સાથે સંબંધ રાખવો નહીં. રાત્રે થયેલા આ હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવક પોતાના મિત્ર સિદ્ધાર્થ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચતા હેડકોન્સ. જી.એસ. ઝાલાએ ગુનો નોંધ્યો હતો.
(3:35 PM IST)










