News of Thursday, 23rd April 2026
જીવરાજપાર્કના વેપારી ભાર્ગવભાઇ શુક્લનું દૂકાનમાં હૃદય રોગનો હુમલો આવતાં મૃત્યુ
લીમડા ચોકના ભગવાનજીભાઇ મકવાણા એરપોર્ટ રોડની હોટેલમાં પાલીશ કામ કરતી વખતે અને માલિયાસણના છગનભાઇ ગોવાણીનું ઘરે હૃદય બંધ પડી જતાં મૃત્યુઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૩: હૃદયની ધડકન થંભી જવાથી મૃત્યુની ઘટનાઓ વધી ગઇ છે. વધુ આવા ત્રણ બનાવ બન્યા છે. જેમાં જીવરાજ પાર્કના વેપારી ભક્તિનગર સોસાયટીમાં પોતાની દૂકાને ઢળી પડતાં, લીમડા ચોક કુંડલીયા કોલેજ પાસે રહેતાં વૃધ્ધ જુના એરપોર્ટ રોડ પર હોટેલ ખાતે ફર્નિચરને પાલીશ કામ કરતી વખતે ઢળી પડતાં અને માલિયાસણના પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ આ ત્રણેયના મૃત્યુ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ અંબીકા ટાઉનશીપ જીવરાજ પાર્કમાં રહેતાં ભાર્ગવભાઇ મહેશભાઇ શુક્લ (ઉ.વ.૪૮) ભક્તિનગર સોસાયટી કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે પોતાની પાર્થ સ્ટેશનરી એન્ડ આઇસ્ક્રીમ નામની દુકાને સાંજે બેઠા હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં કુંડલીયા કોલેજ પાસે રહેતાં ભગવાનજીભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ.૬૧) જુના એરપોર્ટ રોડથી મઢીના રસ્તા પર આવેલી હોટેલ પેટ્રીયા ખાતે ફર્નિચરને પાલીશ કામ કરવા ગયા હતાં ત્યારે કામ કરતાં કરતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ત્રીજા બનાવમાં માલિયાસણ ગામે રહેતાં છગનભાઇ રામજીભાઇ ગોવાણી (ઉ.વ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ ત્રણ બહેન અને છ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તેઓ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. આ ત્રણેય લોકોના મૃત્યુ હૃદય રોગના હુમલાથી થયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર, ગાંધીગ્રામ અને કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
શક્તિ સોસાયટીના લીલાવંતીબેન સોરઠીયાનું બેભાન થઇ ગયા
બાદ મૃત્યુ
મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં શક્તિ સોસાયટી શેરી નં. ૧૪માં રહેતાં લીલાવંતીબેન બાબુભાઇ સોરઠીયા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ કડીયા કામ કરે છે. લીલાવંતીબેનને કેન્સરની બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:12 PM IST)










