News of Thursday, 21st May 2026
ઇસરોના કર્મચારી અને તેના બે બહેનો પર પીન્ટુ માટીયા સહિત ૧૦નો સશસ્ત્ર હુમલો
સોખડા રોડ માલીયાસણ ચોકડી પાસે કારને ચાર કારમાં આવેલા શખ્સોએ આંતરી હુમલો કર્યો : ધવલભાઇ ભરવાડના ભાભીએ રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોઇ તેમાં ધવલભાઇ, તેના બહેનો, ભાઇ સહિતના પરિવારજનોને જામીન મળી જતાં પરત જતાં હોઇ ખાર રાખી હુમલોઃ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૧: અમદાવાદ રહેતાં અને ઇસરોમાં સિનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં યુવાન તથા તેના પરિવારજનોની કારને રાજકોટના માલિયાસણ પાસે ચાર કારમાં આવેલા આ યુવાનના મોટા ભાઇના સાળા સહિતના દસેક શખ્સોએ ધોકા, સળીયા, પથ્થરથી હુમલો કરી કારમાં તોડફોડ કરી યુવાન અનેતેના બે બહેનોને માર મારતાં તેમજ ધમકી આપતાં ચકચાર જાગી છે. અમદાવાદના આ પરિવાર સામે રાજકોટમાં મહિલા પોલીસમાં ગુનો દાખલ થયો હોઇ ત્યાં હાજર થઇ જામીન પર છુટીને બધા પરત જતાં હતાં ત્યારે ખાર રાખી હુમલો કરાયો હતો. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે અમદાવાદ નવા વાડજ ગોપાલક સોસાયટી બંગલા નંબર-૧૩માં રહેતાં ધવલભાઇ જીતુભાઇ ભરવાડ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી રાજકોટના પ્રવિણ ઉર્ફે પીન્ટુ વિનોદભાઇ માટીયા, રવિ માટીયા અને આઠ અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ, હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધવલભાઇ પરિવાર સાથે રહે છે અને અમદાવાદ ઇસરોમાં સિનીયર આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેની સાથે પિતા જીતેન્દ્રભાઇ, માતા વર્ષાબેન અને બે બહેનો તથા ભાઇ રહે છે. ફરિયાદની વિગત મુજબ ધવલભાઈના મોટાભાઈ દેવલભાઈના લગ્ન રાજકોટના કમલેશભાઈ માટીયાની દીકરી ઝરણાબેન સાથે થયા હતા. ઘરકંકાસના કારણે છેલ્લા ૧૧ મહિનાથી ઝરણાબેન પિયરમાં રહેતા હતા અને તેમણે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ધવલભાઈના આખા પરિવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના કામે ધવલભાઈ, તેમના મોટાભાઈ, બે બહેનો વિરલબેન અને રિમાબેન તથા પત્નિ નેન્સીબેન રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને આવ્યા હતા. જ્યાં જરૂરી કાયદેસરની કાર્યવાહી પતાવી જામીન મેળવીને તેઓ પરત અમદાવાદ જવા નીકળ્યા હતા.
મહિલા પોલીસ સ્ટેશનથી નીકળીને જામનગર બાયપાસ રોડ પર પટેલ વિહાર હોટલમાં જમીને બપોરે આશરે અઢીથી પોણા ત્રણ વાગ્યાના સુમારે તેઓ અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. આગળ મોટાભાઈ દેવલભાઈની કાર જઈ રહી હતી, જ્યારે પાછળ ધવલભાઈ પોતાની ગાડી જીજે૦૧ડબલ્યુએસ-૩૧૭૧ચલાવી રહ્યા હતા. જેમાં તેમની બંને બહેનો પાછળ બેઠી હતી. તેઓ જ્યારે સોખડા ચોકડીથી આગળ માલિયાસણ જવાના રસ્તે પહોંચ્યા, ત્યારે અચાનક ચાર શંકાસ્પદ કાર ધસી આવી હતી. બે ગાડીઓ આગળ અને બે ગાડીઓ પાછળ ગોઠવાઈ જઈને ધવલભાઈની કારને ચારેય તરફથી ઘેરીને ઊભી રાખી દીધી હતી.
ચારેય ગાડીઓમાંથી ધવલભાઈના મોટાભાઈના સાળાઓ પ્રવીણભાઈ ઉર્ફે પીન્ટુ વિનોદભાઈ માટીયા તથા રવિભાઈ માટીયા સહિત અન્ય આઠેક અજાણ્યા માણસો હાથમાં લાકડાના ધોકા, લોખંડના સળિયા અને પથ્થરો લઈને નીચે ઉતર્યા હતા. તેઓએ જોતજોતામાં ધવલભાઈની કાર પર પથ્થરમારો કરી અને ધોકા ફટકારીને ચારેય બાજુના કાચ તોડી નાખ્યા હતા. એક મોઢે રૂમાલ બાંધેલા શખ્સે ધવલભાઈના માથામાં ધોકો મારવાનો પ્રયાસ કરતા ધવલભાઈએ જમણો હાથ આડો રાખ્યો હતો, જેથી તેમના હાથે, નાક પર, કાનની પાછળ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ હિચકારા હુમલા દરમિયાન આરોપી પ્રવીણ ઉર્ફે પીન્ટુએ કારમાં પાછળ બેઠેલા ધવલભાઈના બહેન વિરલબેનને આંખની જમણી બાજુ લોખંડનો સળિયો મારી દીધો હતો, જેના કારણે લોહીલુહાણ થયેલા વિરલબેનને પાછળથી હોસ્પિટલમાં ૭ થી ૮ ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે બીજા બહેન રીમાબેનને રવિ માટીયાએ લાકડાના ધોકા વડે ડાબા હાથમાં અને ખભા પર મુંઢ માર માર્યો હતો અને વાળ ખેંચીને રોડ પર ખેંચવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલા વખતે હિંમત બતાવીને રીમાબેન અને ધવલભાઈએ પોતાના મોબાઈલ ફોનમાં હુમલાખોરોનો લાઈવ વીડિયો શુટ કરી લીધો હતો.
આ હુમલા પાછળનું મુખ્ય કારણ એ સામે આવ્યું છે કે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષ દ્વારા કરાયેલી ફરિયાદમાં ધવલભાઈના પરિવારને કાયદેસર જામીન મળી જતાં સાસરી પક્ષ નારાજ થયો હતો. ધવલભાઈના આક્ષેપ મુજબ મોટાભાઈના મોટા સસરા બાબુભાઈ માટીયા અને સસરા કમલેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ માટીયાના ઉશ્કેરણી અને કહેવાથી જ પ્રવીણ, રવિએ ટોળકી રચી હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબુભાઇ માટીયા ભાજપ બક્ષીપંચ મોરચામાં હોદ્દો ધરાવે છે. હુમલા દરમિયાન જ ધવલભાઈએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૧૧૨ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. ત્રણેય ભાઈ-બહેનોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.કુવાડવા રોડ પોલીીસ મથકના હેડકોન્સ. એસ. આર. કુમારખાણીયાએ ગુનો નોંધતા પીએસઆઇ બી. વી. ભગોરા વધુ તપાસ કરી રહ્યા છે.
(3:46 PM IST)










