<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

યુદ્ધની અસરઃ ચૂંટણી પહેલા જ અડધા રાજકોટમાં ડામર કામ ઠપ્‍પઃ લોકોને હાલાકી

ડામરનો જથ્‍થો માત્ર ૭૦% મળતા અનેક વોર્ડમાં રસ્‍તા અધૂરાઃ કોન્‍ટ્રાક્‍ટરો પર દબાણ છતાં ગતિ ધીમી

 

રાજકોટ,તા.૧૪: શહેરમાં આવનારી ચૂંટણી વચ્‍ચે જ રસ્‍તા વિકાસના કામો પર આંતરરાષ્‍ટ્રીય પરિસ્‍થિતિનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ડામરના જથ્‍થામાં ભારે અછત સર્જાતા શહેરના અડધાથી વધુ વોર્ડમાં રોડના કામો અટકી પડ્‍યા છે. જેના કારણે સ્‍થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી જરૂરી પ્રમાણમાં ડામર ઉપલબ્‍ધ ન હોવાના કારણે કોર્પોરેશનના એક્‍શન પ્‍લાન હેઠળ ચાલી રહેલા કામો ધીમા પડી ગયા છે. હાલ કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરિયાતના પ્રમાણમાં માત્ર ૭૦ ટકા જેટલો જ ડામર મળી રહ્યો છે. પરિણામે અનેક વિસ્‍તારોમાં એક લેયરનું કામ પૂર્ણ થયા બાદ બીજું લેયર બાકી રહી ગયું છે.

ખાસ કરીને સેન્‍ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૭ અને ૧૩, ઈસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૪ (ભગવતીપરા), વોર્ડ નં. ૬ (રણછોડનગર) અને વોર્ડ નં. ૧૮ (કોઠારિયા રોડ) તેમજ વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૧૧ અને ૧૨ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કામો અસરગ્રસ્‍ત બન્‍યા છે. ઘણા વિસ્‍તારોમાં રોડ ખોદાયેલા હાલતમાં જ રહેતા લોકો માટે અવરજવર મુશ્‍કેલ બની છે.

અત્રે નોંધનીય છે કે, અગાઉ જામનગર નજીક નયારા પ્‍લાન્‍ટમાંથી સરળતાથી ડામર ઉપલબ્‍ધ થતું હતું, પરંતુ ઈંધણની અછતને કારણે ત્‍યાં ઉત્‍પાદન બંધ થતાં હવે બરોડા પાસેના કોયલી IOC પ્‍લાન્‍ટ પરથી જથ્‍થો લાવવામાં આવે છે. જેમાં ટ્રાન્‍સપોર્ટેશનમાં વધુ સમય લાગતો હોવાથી પૂરતો સપ્‍લાય મળી રહ્યો નથી.

જો યુદ્ધ પરિસ્‍થિતિ લાંબી ચાલશે તો આવનારા સમયમાં ડામરનો જથ્‍થો સંપૂર્ણપણે ખૂટી જવાની ભીતિ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા કોન્‍ટ્રાક્‍ટરોને શકય તેટલી ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે, છતાં હાલ શહેરના અનેક વિસ્‍તારોમાં રોડના કામો ધીમી ગતિએ આગળ વધી રહ્યા.(૨

(2:59 PM IST)