News of Thursday, 5th November 2026
રૂ.૧૨૮ કરોડના બોગસ બિલિંગ કેસમાં વેપારી પિતા-પુત્રને હાઇકોર્ટમાંથી જામીન
૨૧ બોગસ પેઢીઓ મારફત રૂ.૨૩.૦૮ કરોડની ખોટી વેરાશાખ મેળવવાનો આરોપઃ સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી હતી, હાઇકોર્ટે કડક શરતોને આધીન મુક્તિનો હુકમ કર્યો

રાજકોટ, તા.૫: જામનગરના બ્રાસ અને મેટલ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા પિતા-પુત્રને રૂ.૧૨૮.૨૪ કરોડના બોગસ બિલિંગ મારફત રૂ.૨૩.૦૮ કરોડની ખોટી વેરાશાખ મેળવવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧)(બી) અને ૧૩૨(૧)(સી) હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સ્ટેટ જીએસટી વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે જામનગરમાં વેપારીઓના ધંધાના સ્થળે તેમજ રહેઠાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વિભાગના તારણ મુજબ ગુજરાત તથા અન્ય રાજ્યોની ૨૧ જેટલી પેઢીઓ પાસેથી ખરીદી દર્શાવી રૂ.૨૩.૦૮ કરોડની વેરાશાખ મેળવવામાં આવી હતી. તપાસમાં આ પેઢીઓ બોગસ હોવાનું અને વાસ્તવિક માલની હેરફેર કર્યા વગર માત્ર બિલો ઇશ્યૂ કરીને ખોટી વેરાશાખ તબદીલ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે વેપારી સુરેશભાઈ શાહની માલિકીની મે. માંડવરા ટ્રેડિંગ કંપનીમાં આવા વ્યવહારો થયા હોવાનું તથા તેમના પુત્ર આયુષ શાહ પેઢીના વ્યવહારોનું સંચાલન કરતા હોવાનું વિભાગે જણાવ્યું હતું. ત્યારબાદ બંનેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવપક્ષે દલીલ કરી હતી કે વેપારીઓએ માલની વાસ્તવિક ડિલિવરી મેળવી હતી અને તેની ચુકવણી પણ બેન્કિંગ ચેનલ મારફત કરવામાં આવી હતી. વેચનાર વેપારી દ્વારા વેરો ન ભરવાના સંજોગોમાં વેરાશાખ નામંજૂર કરવાનો પ્રશ્ન ઊભો થઈ શકે, પરંતુ તે આધારે કલમ ૧૩૨(૧)(સી) હેઠળ ગુનો બનતો નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધંધાના સ્થળેથી મોટી માત્રામાં માલનો સ્ટોક મળી આવ્યો હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું.
બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગે સોગંદનામું રજૂ કરી આરોપીઓ ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તપાસ ચાલુ હોવાથી જામીન ન આપવા રજૂઆત કરી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે બચાવપક્ષની દલીલોને માન્ય રાખી પિતા-પુત્રને કડક શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં વેપારીઓ તરફથી ધારાશાષાી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડિયા રોકાયા હતા.
(2:34 PM IST)










