તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 5th May 2026
જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પસંદ કરવા ગુરૂવારે પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી
કાલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકઃ ત્રણ મુખ્ય પદ માટે પેનલ બનશે : પ્રમુખ પદ માટે અર્જુન ખાટરિયા, દેવેન્દ્ર જાપડા, અમરશી ચૌહાણ અને સામંતભાઇ બાંભવાનું નામ વધુ ચર્ચામાં: દિલીપ સરવૈયા કે સંજય પીપળિયાનું નસીબ પણ જોર કરી શકેઃ પાટીદારને ઉપાધ્યક્ષ કે કારોબારી અધ્યક્ષ પદ

રાજકોટ, તા. પ : જિલ્લા પંચાયતમાં ભાજપને તોતિંગ બહુમતી મળતા હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની વરણી માટેની ગતિવિધિ શરૂ થઇ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતી હોય છે. પક્ષના નેતા અને દંડક પદે નિયુકત કરવામાં આવે છે. કારોબારી સમિતિની રચના થયા બાદ સમિતિના સભ્યો કારોબારી અધ્યક્ષ ચૂંટે છે. પંચાયતમાં આ પાંચ પદ પ્રથમ હરોળના ગણાય છે. તેના નામ નક્કી કરવા માટે આવતીકાલે રાત્રે ગાંધીનગરમાં પ્રભારી મંત્રીના બંગલે ઉચ્ચ કક્ષાની સંકલન સમિતિ મળશે. તેમાં પેનલ તૈયાર કરી બીજા દિવસે તા. ૭ મીએ પાર્લામેન્ટી બોર્ડમાં મુકવામાં આવશે. તા. ૮ થી ૧૬ વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થાય તેવા નિર્દેશ છે.
જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ બક્ષીપંચ અનામત છે જેમાં મુખ્યત્વે કોળી સમાજની લાગણી છે. પ્રમુખ પદ માટેની સ્પર્ધામાં વિંછીયાના ભડલીમાં ચૂંટાયેલા અમરશી ચૌહાણ, જસદણના શિવરાજમાંથી ચૂંટાયેલા દેવેન્દ્ર જાપડાનું નામ તથા કોટડાસાંગાણીમાંથી ચૂંટાયેલા આહિર સમાજમાંથી અર્જુન ખટારિયાનું નામ સૌથી મોખરે છે. ઉપરાંત કુવડાવામાંથી ચૂંટાયેલા ચૂવાળીયા કોળી સંજય પીપળીયા, લોધીકામાંથી ચૂંટાયેલ દિલીપ સરવૈયા અને ગોંડલના કોલીથરમાંથી સામંતભાઇ બાંભવા (ભરવાડ) ના નામ ચર્ચામાં છે. આ નામોમાંથી ત્રણ નામની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ થશે.
પ્રમુખ પદ બક્ષીપંચ અનામત હોવાથી લેઉવા કે કડવા પાટીદાર સમાજને ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ આપવામાં આવશે. ઉપપ્રમુખ તરીકે કોઇ પાટીદાર મહિલા આવી શકે છે. પ્રમુખ તરીકે બક્ષીપંચ સમાજમાંથી કોઇ મહિલા આવે તેવી શકયતા ઓછી છે.
મુખ્ય પદાધિકારીઓની પસંદગી વખતે સીનીયોરીટી, ભુગોળ, વ્યકિતગત પ્રતિભા, જ્ઞાતિ, શિક્ષણ વગેરે બાબતો ધ્યાને લેવામાં આવે છે. જિલ્લા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષમાં અઢી-અઢી વર્ષ પ્રમુખ તરીકે ભૂપત બોદર અને પ્રવીણાબેન રંગાણી (બંને લેઉવા પટેલ અને રાજકોટ તાલુકા) રહ્યા હતા. આ વખતે પ્રમુખ પદ કોને મળે છે તે ટુંક સમયમા ખ્યાલ આવી જશે.
(3:57 PM IST)










