News of Monday, 12th October 2026
મા પાવા તે ગઢથી ઉતર્યા.... અબતક સુરભી રાસોત્સવનો શુભારંભ
પ્રથમ નોરતે ૧૦ હજાર ખેલૈયાઓ ગરબે ઘુમ્યા : સંગીત, ભક્તિ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ

રાજકોટ : રંગીલા રાજકોટની સંસ્કળતિ, પરંપરા અને ઉત્સવપ્રિયતાને ઉજાગર કરતા ‘અબતક સુરભી રાસોત્સવ ૨૦૨૬'નો માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે જ ૧૦ હજારથી વધુ ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમી મા આદ્યશક્તિની આરાધના કરી હતી. સુરભી ક્લબ અને અબતક મીડિયા પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાતા આ રાસોત્સવમાં સંગીત, ભક્તિ અને લોકસંસ્કળતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
ખેલૈયાઓને પ્રવેશથી લઈને ર્પાકિંગ સુધીની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાઉન્સર્સ ટીમ, સીસીટીવી કેમેરા અને સ્થાનિક પોલીસના સહયોગથી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.
ઝીલ એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત મ્યુઝિક ગ્રૂપ ‘આઈ.કે. રિધમ'ના સંગીતમય માહોલમાં લોકપ્રિય કલાકારોએ પ્રથમ નોરતાને યાદગાર બનાવ્યું હતું. ગાયિકા માર્ગી પટેલે પારંપરિક સ્તુતિ અને ગરબાઓ રજૂ કર્યા હતા, જ્યારે મિલન મેરે પોતાના જોશીલા અવાજથી ખેલૈયાઓમાં ઉત્સાહ જગાવ્યો હતો. જીતુદાદ ગઢવીએ દુહા, છંદ અને લોકસાહિત્યની રચનાઓ રજૂ કરી હતી. શ્યામલ જાદવે અર્વાચીન અને પરંપરાગત સંગીતનો સમન્વય સાધ્યો હતો, જ્યારે અનિતા શર્માએ દાંડિયા રાસ અને ગોપી મંડળ શૈલીના ગરબાથી વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું.
આરતી બાદ ‘મા પાવા તે ગઢથી ઊતર્યા...' અને ‘રૂડો ને રંગીલો રે વાલો...' જેવા ગરબાઓના તાલે સમગ્ર સ્ટેડિયમ દાંડિયાના રણકારથી ગૂંજી ઊઠ્યું હતું.
રાસોત્સવની વિશેષતા રૂપે સ્ટેડિયમના બેક સ્ટેજ પરિસરમાં સુપ્રસિદ્ધ તોરણીયા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયક અને સંગીતકાર મિલન કાકડિયાના સથવારે રામાપીરનાં આખ્યાન, ભજનો અને ભક્તિસભર રજૂઆતો દ્વારા શ્રદ્ધા તથા લોકસંસ્કળતિનો માહોલ સર્જાયો હતો.
ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે ‘હાઉસ ઓફ ફયુઝન' દ્વારા પ્રીમિયમ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દેશી-વિદેશી ફાસ્ટફૂડ, પરંપરાગત નાસ્તા, વિવિધ બેવરેજીસ અને હેલ્ધી ડ્રિંક્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ નોરતાની સફળતા બદલ અબતક અને સુરભી ક્લબના આયોજકોએ ખેલૈયાઓ, જનતા, સ્પોન્સર્સ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ સહિતના એવોર્ડ્સ તથા આકર્ષક ઇનામો આપવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
(2:09 PM IST)










