News of Thursday, 7th May 2026
હાશ...રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો રોડ ૧૫૦ ફૂટનો થશે
૭૦ જેટલી મિલકતો કપાતમાં: ડિમાર્કેશન શરૂ થતા વળતરની માંગ ઉઠી

રાજકોટ,તા.૭: મહાનગરપાલિકા દ્વારા રૈયા ગામથી સ્માર્ટ સિટી વિસ્તાર સુધીનો રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ૮૦ ફૂટ પહોળો રહેલો રોડ વધારીને ૧૫૦ ફૂટ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાતા આશરે ૬૦થી ૭૦ જેટલી રહેણાંક સહિતની અનેક મિલકતો કપાતમાં જતી હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, રોડની બન્ને બાજુ સરેરાશ ૩૫-૩૫ ફૂટ જેટલી કપાત આવવાની શકયતા છે. રૈયા ગામ સુધીના વિસ્તારમાં ખાનગી મિલકતો અસરગ્રસ્ત બનતી હોય તાજેતરમાં મહાપાલિકા દ્વારા ડિમાર્કેશન તથા નોટિસોની બજવણી શરૂ કરવામાં આવતા અસરગ્રસ્તોમાં ચિંતા ફેલાઈ છે અને વળતરની માંગ ઉઠી છે.
રૈયા ગામથી આગળના વિસ્તારમાં મોટા ભાગે સરકારી જમીનો આવતી હોવાથી ત્યાં સંપાદનની પ્રક્રિયા સરળ બનશે, જ્યારે રહેણાંક વિસ્તારોમાં કપાતને લઈ સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને નિયમ મુજબ જમીન સામે જમીન, જમીન સામે રોકડ વળતર અથવા જમીન સામે જ્લ્ત્ જેવા વિકલ્પો આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રૈયા રોડ પરથી નવા રીંગરોડ તરફ જવા માટે રસ્તો છે. જો ટ્રાફીક વધી જાય તો લોકોને બહુ પરેશાનીનો સામનો કરવો પડે છે. હાલ ત્યાં કામ ઝડપી બને તેવુ લોકોમાં ચર્ચાઇ રહયુ છે.
(4:01 PM IST)










