<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

લાગણી અને સંબંધોને સહજતાથી રજૂ કરતી ગુજરાતી ફિલ્‍મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ : શુક્રવારથી સીનેમાઘરોમાં છવાઇ જશે

ડ્રામેટીકલ છતાં કોમેડીથી ભરપુર પારિવારિક ફિલ્‍મ : મોટાભાગનું શુટીંગ કચ્‍છમાં કરાયુ : કુલ ૮ ગીતો : આમીર મીર અને વંદના ગઢવીના સ્‍વરનો જાદુ ફિલ્‍મને નવી ઉંચાઇ આપે છે : અલ્‍ટ્રા પ્રિમિયમ વષાો પાછળ દોઢ કરોડનો ખર્ચ : કલાકારો પુજા જોશી, પરિક્ષિત ટમાલીયા, ડાયરેકટર ધ્‍વની ગૌતમ તથા પ્રોડયુસર વૈશાલી ભાનુશાલીએ વર્ણવી રસપ્રદ વાતો

રાજકોટ તા. ૬ : આધુનિક સંબંધો અને લાગણીઓનો અનોખો સંગમ સહજતાથી રજુ કરતી ગુજરાતી ફિલ્‍મ ‘વાંકી ચૂકી લવ સ્‍ટોરી' આગામી તા. ૮ ના શુક્રવારથી ગુજરાત, મુંબઇ સહિત દેશ વિેદશમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મ કલાકારો પુજા જોશી અને પરિક્ષિત ટમાલીયાએ જણાવ્‍યુ હતુ કે ડ્રામેટીકલ અને કોમેડીથી ભરપુર આ ફિલ્‍મમાં લગ્ન પ્રસંગ ઉપર કેન્‍દ્રીત છે. હસતા હસતા કયારે રડાવી જાય એ પણ ખ્‍યાલ ન રહે તેવી વાર્તા સાથે આગળ વધતી આ ફિલ્‍મ સંપૂર્ણ પારિવારિક છે.

જેમાં તીથીનું પાત્ર પુજા જોશીએ અને દેવનું પાત્ર પરિક્ષિત ટમાલિયાએ ભજવ્‍યુ છે. તીથી અને દેવના લગ્નની તૈયારીઓ ચાલતી હોય છે ત્‍યારે જ તીથીને ખ્‍યાલ આવે છે કે તેની બેસ્‍ટ ફ્રેન્‍ડ માયરા સાથે દેવને અફેર છે. પછી જે તાણાવાણા સર્જાય છે તે ફિલ્‍મમાં નિહાળવા પડશે. તેમ આ કલાકારોએ જણાવ્‍યુ હતુ. આમ જોતા આ ફિલ્‍મ માત્ર લવ સ્‍ટોરી પુરતી સીમીત ન રહેતા આજના યુગના સંબંધોનો અરીસો બની રહે તેવી બની છે. દર્શકોને વર્લ્‍ડ કલાસ સીનેમેટીક અનુભવ થશે.

ફિલ્‍મના ડાયરેકટર ધ્‍વની ગૌતમ પોતે નોન ગુજરાતી હોવા છતા આ તેમનું ૧૨મું ગુજરાતી ફિલ્‍મ છે. તેઓએ જણાવેલ કે હાલ સોશિયલ મીડિયા પર આ ફિલ્‍મ ખુબ ધૂમ મચાવી રહી છે. અમે મોટાભાગનું શુટીંગ કચ્‍છમાં કર્યુ છે. ફિલ્‍મમાં ૮ જેટલા ગીતો છે. જેમાં આમીર મીર અને વંદના ગઢવી સહીતના ગાયકોએ સ્‍વર આપ્‍યો છે. જયારે મ્‍યુઝીક ડાયરેકટર તરીકે રાજકોટના ગૌરાંગ પંડયા સહીતનાએ સેવાઓ આપી છે.

ફિલ્‍મના પ્રોડયુર વૈશાલી ભાનુશાલી અને નિતિન ભાનુશાલી છે. નિતિન ભાનુશાલીએ ખુદે પણ તીથીના મોટાબાપુનો રોલ ખુબ સરસ રીતે નિભાવ્‍યો છે.

અહીં વૈશાલી ભાનુશાલીએ જણાવ્‍યુ હતુ કે આ એવી પ્રથમ ફિલ્‍મ બની હશે કે જેમાં દેખાવ અને સ્‍ટાઇલ પાછળ ખુબ મોટો ખર્ચ કરાયો હોય. ફિલ્‍મના પાત્રોના અલ્‍ટ્રા પ્રિમિયમ કપડા તૈયાર કરવા રૂ.૧.૫ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. એકંદરે આ બધુ પ્રાદેશિક સિનેમામાં ફેશન ક્ષેત્રે એક નવો વિક્રમ ગણી શકાય.

આ ફિલ્‍મમાં પુજા જોશી અને પરિક્ષિત ટમાલીયા ઉપરાંત ભાવિન ભાનુશાલી, મિલોની ઝોનસા, શેખર શુકલ, હેમાંગ દવે, ચેતન દૈયા, નિતિન ભાનુશાલી, દિગ્‍ગજ અભિનેતા ધર્મેશ વ્‍યાસ સહીતનાએ અદાકારી પીરસી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલાકારો પૂજા જોશી, પરિક્ષિત ટમાલીયા, દિગ્‍દર્શક ધ્‍વની ગૌતમ અને પ્રોડયુસર વૈશાલી ભાનુશાલી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(3:17 PM IST)