News of Monday, 11th May 2026
ભવ્ય રથયાત્રા - ધર્મસભા - સ્વામીવાત્સલ્ય સંપન્નઃ કાલે ૨૦૦મી સાલગીરી
શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ સુપાર્શ્વનાથ દેરાસરમાં ધર્મોત્સવઃ પુ.આ.ભ. જિન-હેમચન્દ્રસાગર સુરિશ્વરજી મહારાજા આ.ઠા.ની નિશ્રા : ભકિતસંગીતમાં શ્રાવક-શ્રાવીકાઓ રસ તરબોળઃ ૨૫ હજારથી વધુ જૈનોએ ૨૪ પાલમાં સંઘ જમણનો લાભ લીધો : રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા પૂ.ગુરુભગવંતને ચાતુર્માસ માટે વિનંતી કરાઇ

પ્રભુજીની ભવ્ય રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી નિકળી હતી. ત્યારની તસ્વીરમાં પુ.આ.ભ. જિન-હેમચન્દ્ર સુરિશ્વરજી મહારાજા આ.ઠા. સંઘ પ્રમુખ જીતુભાઇ દેસાઇ દર્શાય છે. જયારે નિચેની તસ્વીરમાં ધર્મસભામાં બીરાજમાન ગુરૂભગવંતો, નિચેની તસ્વીરમાં લાભાર્થી પરિવાર સુરેશભાઇ વસા, પ્રભુજીનો રાજયભિષેક કરતી ચિ.હેત્વી મિતુલભાઇ વસા, પૂ.આ.ભ. દ્વારા મણીયાર દેરાસર ખાતે પ્રભુજીના લગ્ન મહોત્સવ અંતર્ગત વિધિ વિધાન કરાવાયેલ ત્યારની તસ્વીર.
યુવાનોએ પ્રભુજીનો રથ ખેંચવાનો લાભ લીધો
માંડવી ચોક દેરાસરની ૨૦૦મી સાલગીરી નિમિતે ગઇકાલે મણીયાર દેરાસરથી પ્રભુજીની ભવ્ય રથયાત્રા શહેરના રાજમાર્ગો પરથી રેસકોર્ષ સ્થીત નિર્માણ પામેલ વારાણસીનગરી પહોંચી હતી. પ્રભુજીના રથનુ ખેંચવાનો અમૂલ્ય લાભ સંઘના યુવાનો, શ્રાવકોએ લીધો હતો.
રાજકોટ તા.૧૧:શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ સુપાર્શ્વનાથ દેરાસર (માંડવી ચોક)ની ૨૦૦મી ધજાનો પાવન અવસરે શનિવારે પ્રભુજીનું જન્મકલ્યાણકર, ભકિતસંગીત, ગઇકાલે રથયાત્રા, ધર્મસભા,, સ્વામી વાત્સલ્ય, લગ્ન મહોત્સવ યોજાયા હતા. આ મહોત્સવમાં અયોધ્યાપુરમ તીર્થના સ્વપ્નદ્રષ્ટા પૂ.આ.શ્રી જિનહેમચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા આ.ઠા. પાવન નિશ્રા પ્રદાન કરવા પદાર્પણ કર્યું હતું.
જેમાં તા.૭ મેના રોજ લઘુનંદાવર્ત પૂજન, ક્ષેત્રપાલ પુજન, ૧૦ દિકપાલ પુજન, ૧૬ વિદ્યાદેવી પુજન, નવગ્રહ પુજન, અષ્ટમંગલ પુજન તથા નવ પદ પુજન મણિયાર દેરાસર ખાતે યોજાયુ હતું. જયારે તા.૮ના રોજ ચ્યવન કલ્યાણક, તા.૯ના જન્મકલ્યાણ ઉજવાયેલ તથા તા.૧૦ના રોજ સવારે ૭ કલાકે મણીયાર દેરાસરથી વારાણસી નગરી, રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રથયાત્રા નિકળી હતી. ત્યારબાદ સકલ જૈનોનું સ્વામીવાત્સલ્ય સંઘ જમણ યોજાયુ હતું. ત્યારબાદ ર વાગે પ્રભુનું મામેરૂ, લગ્ન મહોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા.
જયારે તા.૧૧ના રોજ દિક્ષા કલ્યાણક, અંજનશલાકા તથા તા.૧૨ના રોજ પ્રાતઃ સ્નાત્ર મહોત્સવ પછી પ્રભુની ૨૦૦મી ધ્વજાનું વિધાન સકલ સંઘની સમૃધ્ધિ માટે અષ્ટોતરી શાંતિ- સ્નાત્ર વિધાન યોજાશે.
ઉપરાંત તા.૧૨ના રોજ સવારે ૬:૩૦ કલાકે ધજાનું સામૈયુ તથા ૭:૩૦ કલાકે ધજારોહણ તથા નવકારશી માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે પ્રકાશભાઇ દોશી તથા સંગીતકાર તરીકે ધર્મેશભાઇ દોશી, શૈલેષભાઇ વ્યાસ તથા નિલેષભાઇ ટોળીયા ભકિત કરાવશે.
તા.૧૩ના રોજ પ્રભુજીની પ્રતિષ્ઠા યોજાશે. જેમાં પ્રભુની અષ્ટપ્રકારી પુજા, કંકુ દ્વારા છાપા, સવા લાખ અક્ષત દ્વારા સ્વસ્તિક, પ્રતિષ્ઠાચાર્યને કામલી અર્પણ, માણેક લાડવો અર્પણ, મોટી શાંતિ સહિતના ધર્મનુષ્ઠાનો માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે જશુભાઇ શાહ તથા સંગીતકાર પ્રતાપભાઇ શાહ ભકિત સંગીતની રમઝટ બોલાવશે. તેમ પ્રમુખ જીતુભાઇ દેસાઇ સહિત ટ્રસ્ટીગણની યાદીમાં જણાવાયું છે.(૨.૧૬)
કાલે તમામ જિનાલયોમાં એકસાથે આંગી-સમુહ આરતીઃ ભદ્રાબેન
બળવંતરાય કાગદી પરિવાર બન્યો લાભાર્થી
શ્રી સુપાર્શ્વનાથ દાદાની ૨૦૦મી ધ્વજા નિમિતે : શુભ અવસર નિમિત્તે ભાગ્યશાળી પરિવારોને વિજયભાઈ કાગદીએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું
રાજકોટઃ શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ - માંડવી ચોક દ્વારા શ્રી સુપાર્શ્વનાથ દાદાની ૨૦૦મી ધ્વજા નિમિતે સમસ્ત રાજકોટ ના તમામ જિનાલયો માં કાલે તા.૧૨ મંગળવારે સાંજે ૮ વાગ્યે ભવ્યાતીભવ્ય આંગી તેમજ સમુહ આરતીનું આયોજન કરવામાં આવેલ છે.જેનો લાભ શ્રીમતિ ભદ્રાબેન બળવંતરાય કાગદી પરિવાર હસ્તે વિજયભાઈ, નિશાબેન,કોશા,લબ્ધિ અને દીપ દ્રારા લેવામાં આવેલ છે.
ઉપરાંત ધ્વજા મહોત્સવ નિમિત્તે પરિવાર દ્વારા શ્રી અષ્ટમંગલ મહાપુજન તથા શ્રી સંઘ આયોજિત સ્વામી વાત્સલ્યમાં શ્રી સિમન્ધર સ્વામી પાલનો લાભ લેવામાં આવેલ હતો. પરિવાર દ્વારા અગાઊ પણ ગત ચાતુર્માસ દરમ્યાન સૌરાષ્ટ્ર માં સર્વ પ્રથમ વખત સામુહિક ચાતુર્માસ પરિવર્તનનો ઐતિહસિક લાભ લેવા માં આવેલ. આ શુભ અવસર નિમિત્તે રાજકોટ નાં ભાગ્યશાળી પરિવારોને જૈન શ્રેષ્ઠી વિજયભાઈ કાગદી(મો.૯૩૨૭૯ ૭૯૭૯૦) દ્વારા જીનાલયો માં દર્શન,વંદન અને આરતીમાં લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે.
(2:41 PM IST)










