News of Thursday, 30th July 2026
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતીનું આયોજને
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે

રાજકોટ તા. ૩૦ : રાજકોટ લાખો ભકતોની શ્રદ્ધાના પ્રતિક શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ સામે, ભૂપેન્દ્ર રોડ ખાતે) આગામી તા. ૦૨ ઓગષ્ટને રવિવારના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૃપાણીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વિજયભાઈ રૃપાણીના જન્મદિવસના આ પાવન અવસરે, રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન મંદિરના પટાંગણમાં ભવ્ય ૨૧ કુંડી મારૃતિ મહાયજ્ઞ યોજાશે. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે યોજાનાર આ યજ્ઞમાં આહુતિ આપીને દિવંગત આત્માની શાંતિ અને રાજકોટ શહેરની સુખાકારી માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવશે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ, સંધ્યા સમયે વિશેષ નિરાજન આરતી ઉતારવામાં આવશે. આ મંગલ આરતીમાં ઉપસ્થિત રહીને સૌ કોઈ દાદાની દિવ્ય ચેતનાનો અનુભવ કરશે.
આ સમગ્ર સ્મૃતિ મહોત્સવ અને યજ્ઞનું આયોજન શ્રી બાલાજી હનુમાનજી મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. શ્રી બાલાજી હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા સમસ્ત રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય ૨૧ કુંડી મારૃતિ મહાયજ્ઞ અને નિરાજન આરતીના દિવ્ય દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:50 AM IST)










