News of Friday, 25th September 2026
ગાંજાના લાખો રૂપિયાના વાવેતરઃડાંગ LCB, વધઈ પોલિસનું સફળ જોઇન્ટ ઓપરેશન
નો ડ્રગ્સ ઈન સાઉથ ગુજરાત, રેન્જ વડા પ્રેમવીર સિંઘનું અભિયાન સફળ બનાવવા ડાંગ એસપી પૂજા યાદવે તંત્રને એક્ટિવ મોડમાં મૂકયુ

રાજકોટ તા. રપ :.. ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત' ના મંત્ર સાથે રાજ્યના સિનિયર અને અનુભવી IPS તથા સુરત રેન્જના વડા પ્રેમવીર સિંહ દ્વારા ચાલી રહેલા અભિયાનને સફળતાના શિખરો સુધી પહોંચાડવા માટે ડાંગના કાર્યદક્ષ એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વધઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. LCB PSI જયદીપ અનડકટ સહિતનો સ્ટાફ એક્ટિવ મોડમાં આવતા ગાંજાની ખેતી ઝડપી લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ વધઈ પો.સ્ટે. PI શ્રી એ.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ. જે.જી.અનડકટને સંયુક્ત બાતમી મળેલ કે, વઘઈ તાલુકાના બરડા ગામના રહીશ હરીભાઇ રડકેભાઇ રાઠોડે પોતાના રહેણાંક ઘરના પાછળના વાડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. જેના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી હરીભાઇ રડકેભાઇ રાઠોડ, ઉ.વ. ૪૦, રહે. બરડા ગામ, તા.વઘઈ, જિ.ડાંગ વાળાએ ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં કોઇને શંકા ન જાય તે રીતે મકાઇ, ભીંડા, કાકડી અને ખરસાટાના છોડ વચ્ચે ૩ ફૂટથી ૧૩ ફૂટ ઉંચાઇના ગાંજાના ૭ છોડનું વાવેતર કરેલ હતું. જેનું કુલ વજન ૩૦.૯૭ કિ.ગ્રા. અને કિંમત રૂ. ૧,૫૪,૮૫૦/- થવા જાય છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.
આ અંગે વઘઈ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૬૨૫૦૫૩૪/૨૦૨૬, એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ કલમ- ૮(બી), ૮(સી), ૨૦(એ)(૧), ૨૦(બી) (૨) (સી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(3:01 PM IST)










