News of Friday, 31st July 2026
રીઢા શખ્સ યશ ભરડાને ગાંધીગ્રામ પોલીસે દબોચ્યોઃ ત્રણ વાહનચોરી ઉકેલાઇ ગઇ
અગાઉ પાંચ ગુનામાં સંડોવણીઃ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલની ટીમની કામગીરીઃ રવિભાઇ, રોહિતદાન, ચંદ્રદીપસિંહ, જયદેવસિંહની બાતમી

રાજકોટ તા. ૩૧: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ટીમે વાહન ચોરીના વણશોધાયેલા ૩ ગુન્હાઓનો ભેદ ઉકેલીને એક શખ્સને ૧,૦૪,૦૦૦ના ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, કોન્સ. જયદેવસિંહ પરમાર, ચંદ્રદીપસિંહ જાડેજાને બાતમી મળતાં માધાપર ચોકડી ઓવર બ્રીજ નીચે જામનગર તરફ જવાના રસ્તેથી એક શખ્સને શંકાસ્પદ બાઇક સાથે પકડી પુછતાછ કરતાં પોતાનું નામ યશ કરસનભાઇ ભરડા (ઉ.વ.૨૬-રહે. કાલાવડ રોડ બ્રીજ ઉપર ચબુતરા પાસે, મુળ ગામ માંગરોળ જુનાગઢ) જણાવ્યું હતું.
તેની પાસેના બાઇકના કાગળો અંગે પુછતાછ થતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચોરાઉ હોવાનું કબુલ્યું હતું. તેમજ બીજા બે બાઇક પણ ચોરી કરી અવાવરૂ જગ્યાએ છુપાવ્યાનું કબુલતાં તે પણ કબ્જે કરાયા હતાં. પોલીસના કહેવા મુજબ યશ અગાઉ જુનાગઢ જીલ્લામાં શીલ પોલીસમાં દારૂ-જૂગાર, મારામારી અને પોરબંદર રાણાવાવમાં દારૂના ગુનામાં પકડાયો હતો. તે મોજશોખ માટે વાહનો ચોરતો હોવાનું રટણ કર્યુ હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ એસ.વી.ગોહિલ, એ.એસ.આઈ. ચેતનસિંહ ગોહિલ, પો.હેડ.કોન્સ. રવીભાઈ ગઢવી, રોહીતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક, તથા પો.કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઈ ગઢવી, જયદેવસિંહ પરમાર, ચંદ્રદીપસિંહ જાડેજા, -શાંતભાઈ ગજેરા અને કૌશીકભાઈ ડાંગરની ટીમે આ કામગીરી કરી છે.
(3:31 PM IST)










