તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Friday, 19th June 2026
રાજકોટના ગોંડલમાં સત્યમ મસાલા ઉપર ખાદ્ય સુરક્ષા વિભાગના દરોડાઃ ૧ કરોડ ૧૧ લાખના મરચૂ-હળદર સહિતના મસાલા સીઝ
આરોગ્ય મંત્રીનો નિર્દેશઃ જન આરોગ્યના રક્ષણ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ..

રાવકોટ, તા.૧૯: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા તા. ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલ ખાતે આવેલી મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે સઘન તપાસ (રેડ) કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ધાણા પાઉડર (Coriander Powder - Loose) અને કોર્ન પાઉડર (Corn Powder - Loose) ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ બંને પદાર્થોનો આશરે ૬,૭૬૬ કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૮,૨૨,૬૨૦/- થાય છે, તેને સીઝ કરવામાં આવ્યો હતો.
તેમજ મરચું પાઉડર (Chilly Powder - Loose) અને હળદર પાઉડર (Turmeric Powder - Loose) ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ખાદ્ય પદાર્થોનો આશરે ૨૮,૬૭૧ કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૦૨,૮૧,૫૮૫/- થાય છે, તેને પણ સીઝ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૧૧,૦૪,૨૦૫/- (એક કરોડ અગિયાર લાખ ચાર હજાર બસો પાંચ) થાય છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. લેવામાં આવેલા નમૂનાઓને ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
(11:39 AM IST)










