તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 27th April 2026
વોર્ડ નં. ૧૫માં આચારસંહિતા ભંગ બદલ કોંગી ઉમેદવાર સહિત પાંચની સામે ગુનો દાખલ થયો
પ્રતિબંધિત ત્રિજ્યામાં પ્રચાર સાહિત્ય સાથે ઉમેદવાર-કાર્યકરો બેસી ગયા હતાં : મકબુલ દાઉદાણી સહિત પાંચને એસીપી ક્રાઇમ ભરત બસીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, થોરાળા પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ ડોબરીયા, પીએસઆઇ મહેશ્વરી સહિતની ટીમે અટકાયતમાં લઇ કાર્યવાહી બાદ મુક્ત કર્યા

રાજકોટઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાના કડક અમલ વચ્ચે જાહેરનામા ભંગની ઘટના સામે આવી હતી.. વોર્ડ નં. ૧૫માં ફરજ પર તૈનાત ઝોનલ ઓફિસર મયુરભાઈ નટવરલાલ ભાલીયા અને તેમની ટીમ જ્યારે ઇકો ગાડીમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે સવારે આશરે સવા નવ વાગ્યાના અરસામાં લાખાજીરાજ સોસાયટી સ્થિત શ્રી છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા પાસે મતદાન મથકની બિલકુલ નજીક કેટલાક શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, મતદાન મથકની ૧૦૦ મીટરની પ્રતિબંધિત ત્રિજ્યામાં કોંગ્રેસના ઉમેદવાર મકબુલભાઈ હબીબભાઈ દાઉદાણી અને તેમના સમર્થકો મંડપ નાખીને ચૂંટણીલક્ષી પ્રવળત્તિ કરી રહ્યા હતા. ઝોનલ અધિકારીની ટીમે તપાસ કરતાં ઉમેદવાર અને તેમના માણસો પાસે એક કાળા કલરનું પ્રિન્ટર (ઝેરોક્ષ મશીન), ઇ.વી.એમ. મશીનના ડેમો માટેના પુઠા કે જેના પર ઉમેદવારના નામ લખેલા હતા, તેમજ રાજ્ય ચુંટણી આયોગની વર્ષ-૨૦૨૬ની પુરવણી યાદીની બુકો અને મતદારોને આપવાની કાપલીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મતદાન મથકની મર્યાદામાં આવા સાહિત્ય સાથે બેસવા પર સદંતર પ્રતિબંધ હોવા છતાં આ શખ્સો અહિ હાજર મળ્યા હતાં.
આ મામલે ઝોનલ ઓફિસર મયુરભાઈ ભાલીયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરાયો હતો. આ સમગ્ર કાર્યવાહી એસીપી ક્રાઇમ ભરત બી. બસિયા, એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા તેમજ પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સોમાં ઉમેદવાર મકબુલભાઈ દાઉદાણી ઉપરાંત આરિફભાઈ સંધી, વસીમખાન લુવાણી, હુશેનભાઈ પિંજાશ અને ઇરફાનખાન બ્લોચનો સમાવેશ થતો હતો. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને નિયમોના ભંગ બદલ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અટકાયત બાદ જામીન પર તમામને મુક્ત કરાયા હતાં.
(2:11 PM IST)










