News of Friday, 24th April 2026
રાજકોટમાં ગરમીનો અગનગોળા જેવો પ્રકોપઃ ૪૨.૮ ડિગ્રી
બપોરે ૨:૩૦ વાગ્યે ૧૨ કિમીની ઝડપે ફૂંકાતા ગરમ પવનોથી રસ્તાઓ સૂમસામ, જનજીવન પર વ્યાપક અસર

રાજકોટ, તા. ર૪: રાજકોટમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ આજે બપોરે ગરમીએ તમામ હદ વટાવી દીધી છે. બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરનું તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આકરી ગરમી અને ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોને કારણે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય તેવો અનુભવ નાગરિકોને થઈ રહ્યો છે.
બપોરના સમયે તાપમાનનો પારો ૪૨.૮ ડિગ્રી સુધી પહોંચતા શહેરના મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. અસહ્ય તાપને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેને લઈને બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. ગરમ પવનના કારણે લૂ લાગવાનો ભય પણ વધ્યો છે, જેથી લોકો પોતાની સુરક્ષા માટે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
હાલમાં રાજકોટમાં ગરમીનો પ્રકોપ ચરમસીમા પર છે ત્યારે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને પૂરતી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની શકયતા હોવાથી નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગળત રહેવા અપીલ કરવામાં આવી છે
(3:53 PM IST)










