News of Wednesday, 13th May 2026
આતુરતાનો અંત આવશેઃ મેયર સહિતના પદાધિકારીઓના નામ ફાઈનલ કરવા કાલે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા નિમણૂક પ્રક્રિયા તેજઃ દરેક હોદ્દા માટે ચાર ચાર નામની પેનલ બનાવાશેઃ આવતા સપ્તાહે બોર્ડઃ મોવડી મંડળમાંથી આવેલ કવર ખુલશે

રાજકોટ, તા.૧૩: મહાનગરપાલિકામાં નવા શાસનની રચના માટે મુખ્ય પાંચ પદાધિકારીઓના નામ નક્કી કરવા ભાજપ દ્વારા ગુરુવારે પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા મનપાની નિમણૂક પ્રક્રિયાને અંતિમ તબક્કે પહોંચાડવામાં આવી રહી છે.
મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક તેમજ શાસક પક્ષના નેતા સહિતના મુખ્ય હોદ્દાઓ માટે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા અને લોબિંગ ચાલી રહ્યું છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ લાંબા સમયથી પદાધિકારીઓની નિમણૂક અટવાઈ હોવાથી શહેરના રાજકારણમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં સંભવિત નામોની ચર્ચા કર્યા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તમામ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મનપાના નવા પદાધિકારીઓની પસંદગીમાં સંગઠન, સામાજિક સમીકરણો, વિસ્તારવાર પ્રતિનિધિત્વ અને અનુભવ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
આ વખતે પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં આંતરિક રસાકસી પણ જોવા મળી રહી છે. અનેક દાવેદારો દ્વારા સંગઠનના નેતાઓ સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અનેક નામો ચર્ચામાં હોવાનું રાજકીય વર્તુળોમાં કહેવાઈ રહ્યું છે.
પદાધિકારીઓની નિમણૂકમાં થયેલા વિલંબના કારણે મનપાની કામગીરી પર પણ અસર પડી રહી છે. શહેરના વિકાસકાર્યો, નીતિગત નિર્ણયો અને નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે નવી બોડી સક્રિય થવાની રાહ જોવાઈ રહી છે. હવે ગુરુવારે યોજાનારી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક બાદ આવતા સપ્તાહે મળનાર જનરલ બોર્ડમાં રાજકોટ મનપાના નવા પદાધિકારીઓના નામ જાહેર થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(3:29 PM IST)










