News of Friday, 17th April 2026
મોચીનગરમાં બ્યુટી પાર્લર સંચાલીકા અફસાનાબેનના ઘરે પુર્વ પતિ અલ્તાફે બખેડો કર્યોઃ ખૂનની ધમકી
નંબર વગરની થાર ગાડી લઇને આવી ગાળો દીધીઃ તું પાછી મારી સાથે નહિ આવ તો તને અને આખા પરિવારને મારી નાંખીશ કહી ધમાલ મચાવતાં ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૧૭: શહેરના મોચીનગર વિસ્તારમાં રહેતી અને ઘર સાથે જ બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાના ઘરે તેના પુર્વ પતિએ નંબર વગરની થાર ગાડી લઈને આવી, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બનતાં પોલીસે કાર્યવાહી કરી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે શીતલ પાર્ક મોચીનગર-૨માં રહેમાન મસ્જીદની બાજુમાં રહેતાં અને ઘરે જ બ્યુટી પાર્લર ચલાવતાં અફસાનાબેન હનીફભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી તેણીના પુર્વ પતિ અલ્તાફ બસીરભાઇ ખીયાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તેણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેણીના પ્રથમ લગ્ન બાદ વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ ગત પાંચમી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ તેમણે અલ્તાફ બસીરભાઇ ખીયાણી (રહે. પરસાણાનગર) સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ આ લગ્ન જીવનમાં પણ અણબનાવ બનતા ઓગષ્ટ ૨૦૨૫માં જ બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધા હતા.
દરમિયાન સાંજે અંદાજે પાંચેક વાગ્યે અલ્તાફ ખીયાણી કાળા કલરની નંબર વગરની થાર ફોર વ્હીલ ગાડી લઈને અફસાનાબેનના ઘરે પહોંચ્યો હતો. આથી અફસાનાબેનના પિતાએ તેને અહિ આવવાની ના પાડતાં અલ્તાફ ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ અલ્તાફે ધમકી આપી હતી કે જો તું પાછી મારી સાથે નહીં રહે, તો હું તને અને તારા મા-બાપ અને તારા બાળકોને મારી નાખીશ. આ સમયે અફસાનાબેનનો ભાઈ હૈદર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે અલ્તાફ પોતે ફરી પાછો આવશે તેવી ધમકી આપી ગાળો દઇ ભાગી ગયો હતો. આ બનાવ બાદ ડરી ગયેલા અફસાનાબેન અને તેમના પરિવારજનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચતા પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં ં પીએસઆઇ ટી. ડી. જાડેજાએ અલ્તાફ બસીર ખીયાણી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:48 PM IST)










