તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
News of Wednesday, 24th June 2026
ઈમરજન્સીઃ ભારતના ઇતિહાસનો કલંકિત કાળો દિવસઃ ૨૫ જૂન

ભારત વર્ષ ૧૯૪૭માં સ્વતંત્ર થયો તેના ૨૮ વર્ષ બાદ, ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક એવો કાળો અધ્યાય આવ્યો જેણે દેશના બંધારણના લીરેલીરા ઉડાડી દીધા.
૨૫ જૂન ૧૯૭૫થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી લાદવામાં આવેલી આ કટોકટી (ઈમરજન્સી) એ સ્વતંત્ર ભારતનો સૌથી કલંકિત સમયગાળો હતો. તત્કાલિન વડાપ્રધાન સ્વ. શ્રી ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર દેશમાં કટોકટી જાહેર કરી આખાય દેશને જેલખાનું બનાવી દીધો હતો. શાહ આયોગે પણ પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે તે સમયે દેશમાં કોઈ આર્થિક કે કાયદા વ્યવસ્થાની મુશ્કેલી નહોતી, માત્ર પોતાની ઈચ્છાનુસાર આ નિર્ણય લેવાયો હતો. આ કાળા કેર દરમિયાન સીપીઆઈ (CPI) એ પણ ભટિડાની ૧૧મી બેઠકમાં કટોકટીને સમર્થન આપ્યું હતું.
આ કટોકટી પાછળનું મુખ્ય કારણ એ હતું કે એક તરફ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી અને બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટે સ્વ. ઈન્દિરાજીની ચૂંટણીને રદ કરી દીધી હતી. આ દમનકાળમાં કોંગ્રેસ સરકાર વિરોધીઓ માટે જેલ જ ઘર બની ગયું હતું. દેશભરમાંથી ૧ લાખ ૩૦ હજારથી વધુ સત્યાગ્રહીઓની ધરપકડ કરાઈ અને ૧૦૦થી વધુ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ શ્રી પાંડુરંગ ક્ષીરસાગર પણ શહીદ થયા. અખબારો અને સંસદની કાર્યવાહી પર સેન્સરશીપ લગાવી હિટલરશાહીનો અમલ કરાયો હતો, જેને કારણે ઇન્દિરાજીની તુલના હિટલર સાથે થઈ હતી. જ્યારે પણ કોંગ્રેસ ખતરામાં રહી, ત્યારે આવી બે-ત્રણ કટોકટી લગાડી દીધેલ હતી.
આ કપરા કાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ, એબીવીપી અને ભાજપાએ દેશના વ્યાપક હિતમાં લોકશાહી રક્ષાનું આંદોલન ચલાવ્યું. કાર્યકર્તાઓના પરિવારોએ ભારે આર્થિક અને સામાજિક સંકળામણ ભોગવી, પણ ભૂગર્ભ પ્રવૃત્તિઓ ચાલુ રાખી.
શ્રી અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, સ્વ. વિજયરાજમાતા સિધિયા, સ્વ. ગાયત્રીદેવી અને સરસંઘચાલક સ્વ. બાળાસાહેબ દેવરસ સહિતના નેતાઓને જેલ ભેગા કરાયા હતા. ધરપકડ પૂર્વે જયપ્રકાશ નારાયણે આંદોલનની જવાબદારી RSSના પૂર્ણકાલીન નાનાજી દેશમુખને સોંપી હતી.
ગુજરાત હંમેશા લોકશાહી મૂલ્યો માટે અગ્રેસર રહ્યું છે. 19cell74માં વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલન બાદ ગુજરાતમાં બાબુભાઈ જશાભાઈ પટેલના નેતૃત્વમાં જનતા મોરચાની સરકાર બની, જેમાં જનસંઘ ભાગીદાર હતો. જનસંઘના તત્કાલિન મહામંત્રી સ્વ. વસંતભાઈ ગજેન્દ્રગડકરે જણાવ્યું હતું કે કટોકટી વિરૂધ્ધ લડવા આપણી ગુજરાતની ભૂમિ સલામત સ્થળ છે. આ ભૂમિએ જ્યોર્જ ફર્નાન્ડિઝ, ડો. સુબ્રમણ્યમ સ્વામી અને નાનાજી દેશમુખ જેવા રાષ્ટ્રીય નેતાઓને આશ્રય આપ્યો. જ્યારે નાનાજી દેશમુખને બચાવવાના હતા, ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝે કહ્યું હતું: નરેન ભૈયા, નાનાજીકી બહુત જરૂર હૈ, ઉન્હે કેસે ભી કરકે બચાના હૈ. સ્વ. મકરંદભાઈ દેસાઈએ અમેરિકા જઈ ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ જનસંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય જનમત ઊભો કર્યો હતો.
ત્યારબાદ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર ઉથલાવી કોંગ્રેસ શાસન આવતા જ નવો કાળો કેર વર્તાયો. સ્વ. પ્રવીણકાકા મણિયાર, સ્વ. ચીમનકાકા શુક્લ, સ્વ. કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા સહિતના અગ્રણીઓ જેલમાં ગયા. આ સમયે ગુજરાત પ્રદેશ જનસંઘના સંગઠન મહામંત્રી સ્વ. નાથાભાઈ ઝગડા અને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેશપલ્ટા કરી, પોલીસથી બચતા રહીને પત્રિકાઓ અને ભૂગર્ભ આંદોલનનું સફળ સંચાલન કર્યું. પીએમ મોદી લિખિત પુસ્તક સંઘર્ષમાં ગુજરાતમાં આની વિગતો છે.
આ દરમિયાન એક હાસ્યસ્પદ પ્રસંગ બન્યો હતો; સંઘના કાર્યકરો માટે 'ચંદન' (નાસ્તો) નો કાર્યક્રમ હતો, પણ પોલીસ ચંદનસિહ નામના કોઈ વ્યક્તિને શોધતી રહી અને સ્વયંસેવકો નાસ્તો કરીને નીકળી ગયા!
ગુજરાતમાં ૬૩૫ દિવસ સુધી સતત આંદોલન ચાલ્યું. લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા સાધના સાપ્તાહિકની નકલો ૧ લાખ સુધી વેચાતી અને જનતાનું છાપુ જેવા ભૂગર્ભ પત્રો શરૂ કરાયા.
ગુજરાતમાંથી ૩૧૬૫ સત્યાગ્રહીઓએ ભાગ લીધો અને ૨૦૦૦થી વધુ જેલમાં ગયા. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી વિષ્ણુભાઈ પંડ્યા જેવા વિચક્ષણ કાર્યકરોની વ્યુહરચનાઓને કારણે અંતે કટોકટી હટાવવી પડી. લોકસભા ચૂંટણીમાં જનસંઘ જનતા પાર્ટીમાં વિલીન થયો અને કેન્દ્રમાં મોરારજીભાઈ દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ લોકશાહીની પુનઃ સ્થાપના થઈ. (૩૮.૩૦)
સંકલનઃ
જયેશભાઈ સંઘાણી
મોઃ ૯૪૨૮૨ ૦૦૫૨૦
(2:38 PM IST)










