<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ડ્રોન અને AI થી મચ્‍છરો સામે મનપાનું ‘હાઈટેક યુદ્ધ'

પાંચ હાઈરિસ્‍ક વોર્ડમાં ૫૯.૩૯ ચો.કિ.મી. વિસ્‍તારનો સર્વે :મચ્‍છર ઉત્‍પત્તિના ૪,૭૩૧ સંભવિત સ્‍થળોની ઓળખ, ૧,૩૪૦ સ્‍થળે દવા છંટકાવ કામગીરી કરાયાનો આરોગ્‍ય વિભાગનો દાવોઃ ૯૨ ને નોટીસ

રાજકોટ, તા., ૨૪ : રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયા સહિતના મચ્‍છરજન્‍ય તેમજ પાણીજન્‍ય રોગોને નિયંત્રણમાં લેવા રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પરંપરાગત કામગીરી સાથે આધુનિક ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત સર્વેલન્‍સનો ઉપયોગ કરીને મચ્‍છર ઉત્‍પત્તિનાં સંભવિત સ્‍થળો શોધવામાં આવી રહ્યાં છે.

તા. ૧૭થી ૨૩ સપ્‍ટેમ્‍બર દરમિયાન ફિલ્‍ડવર્કરો, અર્બન આશા અને MPHW દ્વારા શહેરનાં કુલ ૧,૫૦,૧૭૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ૯૩૩ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્‍યું છે.

મચ્‍છરોની વધુ ઘનતા ધરાવતા વિસ્‍તારોમાં વ્‍હીકલ માઉન્‍ટેડ ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર રસ્‍તાઓ તથા મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થતા વિસ્‍તારોને પણ ફોગિંગ હેઠળ આવરી લેવામાં આવ્‍યા છે.

આરોગ્‍ય વિભાગ દ્વારા રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્‍ટ, કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ, ઔદ્યોગિક એકમો અને વ્‍યવસાયિક સ્‍થળોની આસપાસ મચ્‍છર ઉત્‍પત્તિનાં સ્‍થળોની તપાસ કરવામાં આવી રહી છે. મચ્‍છર ઉત્‍પત્તિનું સ્‍થળ મળી આવે તો જવાબદાર વ્‍યક્‍તિને બાયલોઝ હેઠળ નોટિસ ફટકારવાની સાથે વહીવટી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

બાંધકામ સાઇટ, શાળા, હોસ્‍પિટલ, હોટેલ, ઇન્‍ડસ્‍ટ્રીઝ, હોસ્‍ટેલ, કોમ્‍પ્‍લેક્‍સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્‍લોટ, ધાર્મિક સ્‍થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિતનાં ૪૦૯ બિનરહેણાંક પ્રીમાઇસીસની તપાસ કરવામાં આવી છે. મચ્‍છર ઉત્‍પત્તિ બદલ રહેણાંક વિસ્‍તારમાં ૩૧૨ અને કોમર્શિયલ વિસ્‍તારમાં ૯૨ ેને નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૬૧.૮૫ ચો.કિ.મી. વિસ્‍તાર પૈકી હાઈરિસ્‍ક ગણાતા વોર્ડ નં. ૩, ૪, ૧૧, ૧૩ અને ૧૮માં તા. ૨૩ સપ્‍ટેમ્‍બર સુધીમાં કુલ ૫૯.૩૯ ચો.કિ.મી. વિસ્‍તારનો ડ્રોન સર્વે કરવામાં આવ્‍યો છે.

ડ્રોન અને AI આધારિત સર્વેલન્‍સ દરમિયાન મચ્‍છર ઉત્‍પત્તિનાં કુલ ૪,૭૩૧ સંભવિત સ્‍થળો શોધી કાઢવામાં આવ્‍યાં છે. તેમાંથી ૧,૩૪૦ સ્‍થળોને આરોગ્‍ય વિભાગના ક્ષેત્રિય કર્મચારીઓ દ્વારા દવા છંટકાવ અને સોર્સ રિડક્‍શનની કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્‍યાં છે.

પાણીજન્‍ય રોગચાળો અટકાવવા શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોના ફિલ્‍ડ સ્‍ટાફ દ્વારા તા. ૧૭થી ૨૩ સપ્‍ટેમ્‍બર દરમિયાન કુલ ૩,૦૪,૫૫૬ લોકોનો સર્વે કરવામાં આવ્‍યો છે.

આ કામગીરી દરમિયાન ૬,૫૫૯ ક્‍લોરીન ટેબ્‍લેટ અને ૭૪૩ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું છે. ઉપરાંત પાણીની ગુણવત્તા ચકાસવા માટે ૩,૪૮૪ R.C. ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે.

(3:27 PM IST)