<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

આપાગીગાના ઓટલે હજારોની ઉપસ્‍થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્‍સવની દિવ્‍ય-ભવ્‍ય ઉજવણી

પૂ. જીવરાજબાપુની સત્‍ય, ધર્મ અને બ્રહ્મચર્યની પરંપરાને પૂ. નરેન્‍દ્રબાપુ અવિરતપણે આગળ ધપાવી રહ્યા છેઃ યુવાનોને વ્‍યસનમુક્‍ત રહેવા - માતા-પિતાની સેવા કરવા હાકલ

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં છેલ્‍લા એક દાયકાથી પણ વધારે સમયથી તમામ સમાજના લોકો માટે આસ્‍થાનું અતિ સુપ્રસિદ્ધ કેન્‍દ્ર બનેલા શ્રી આપાગીગાના ઓટલે (મોલડી ગામના વળાંક પાસે, ચોટીલા-રાજકોટ હાઈવે) ગત તા. ૨૯-૦૭-૨૦૨૬ બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્‍સવની હર્ષોલ્‍લાસ અને ભક્‍તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ સવારે ૯ કલાકે ઢોલ-નગારા અને શ્રી આપાગીગાના જયઘોષ સાથે ભવ્‍યાતિભવ્‍ય મહોત્‍સવનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં સાધુ-સંતો અને હજારો સેવકો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પાવન અવસરે પરમ પૂજનીય સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુ શ્રી શામજીબાપુ તેમજ પરમ પૂજનીય શ્રી શામજીબાપુ ગુરુ શ્રી લક્ષ્મણબાપુની પ્રતિમાઓનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજન-અર્ચન કરાવવામાં આવ્‍યું હતું. સાધુ-સંતો અને સેવકોએ પણ વ્‍યક્‍તિગત રીતે પૂજન કરી ધન્‍યતા અનુભવી હતી. મહોત્‍સવમાં પધારેલા સાધુ-સંતો, બ્રહ્મદેવો, રાવળદેવો સહિતના દરેક લોકોને શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) દ્વારા વિશેષ ભેટપૂજા અર્પણ કરવામાં આવી હોવાનું જણાવ્‍યું છે.

સતાધાર ધામના બ્રહ્મલીન સંત પરમ પૂજ્‍ય સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુ શ્રી શામજીબાપુના અનન્‍ય શિષ્‍ય અને ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુએ ગુરુમહિમા સમજાવતા જણાવ્‍યું હતું કે, અગાઉના સમયમાં ગામડાઓમાં રામમંદિર અને શિવમંદિરમાં રહેતા સિતારામ સાધુઓ કે ગીરી-પુરી-ભારથી સંતો દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે બાળકોને કંઠી કે માળા પહેરાવી ગુરુમંત્ર આપવામાં આવતો હતો. આજે આ પ્રથા ઓછી થઈ છે, પરંતુ ગુરુ વિના જ્ઞાન શક્‍ય નથી. ગુરુનું શરીર સન્‍મુખ હોવું જરૂરી નથી, ગુરુને તન અને મનથી પણ ધારણ કરી શકાય છે. ગુરુના ભેખમાં એક અલૌકિક શક્‍તિ હોય છે જે હરહંમેશ હકારાત્‍મક ઊર્જાથી પોતાના શિષ્‍યોનું રક્ષણ કરે છે. શિષ્‍યના અંતરના અંધકારને દૂર કરી દિવ્‍ય ઉજાસ તરફ લઈ જવાનું કાર્ય સદ્ગુરુ જ કરે છે.

ગુરુપૂર્ણિમાને ચાર વેદોના રચયિતા વ્‍યાસજીના જન્‍મદિન નિમિત્તે વ્‍યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે શ્રી આપાગીગાના ઓટલે સંતો-મહંતોની હાજરીમાં ભક્‍તિ અને ભોજનનો અદભુત ત્રિવેણી સંગમ સર્જાયો હતો. બપોરના સમયે સાધુ સમાજ અને હજારો ભાવિકો માટે બે મિષ્ઠાન, ફરસાણ, દાળ, ભાત અને બે શાક સાથેના વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો દરેક સેવકગણે લાભ લીધો હતો.

આ તકે શ્રી નરેન્‍દ્રબાપુએ સમાજને સંદેશ આપતા જણાવ્‍યું હતું કે, પ્રત્‍યેક વ્‍યક્‍તિએ પોતાના માતા-પિતાની વધુમાં વધુ સેવા કરવી જોઈએ અને યુવા પેઢીએ તમામ પ્રકારના વ્‍યસનોથી દૂર રહેવું જોઈએ.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, શ્રી આપાગીગાના ઓટલા પર છેલ્‍લા ૧૪ વર્ષથી કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર અઢારેય વરણના ભાવિકો અને યાત્રાળુઓ માટે ૨૪ કલાક મહાપ્રસાદ અને વિશ્રામ (ઉતારા)ની વ્‍યવસ્‍થા અવિરતપણે ચાલી રહી છે.

શ્રી જીવરાજબાપુથી લઈને શ્રી આપાગીગા અને ગુરુ ગેબીનાથ સુધીની જે મૂળભૂત પરંપરાઓ છે- સત્‍ય, ધર્મ, નૈતિકતા, પ્રમાણિકતા, નિષ્ઠા અને બ્રહ્મચર્યવ્રત, તેને વહન કરવાનું અને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય મહંત શ્રી નરેન્‍દ્રબાપુ સંપૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વે સોમનાથ મહાદેવ, માં બહુચરાજી, દ્વારકાધીશ તેમજ આપાગીગા અને પરમ પૂજનીય સંત શ્રી જીવરાજબાપુએ સમગ્ર સેવકગણ પર આશીર્વાદની વર્ષા કરી હતી તેમ જણાવાયું છે.

છેલ્‍લા ૧૪ વર્ષથી અવિરત સેવાઃ અઢારેય વરણ માટે ૨૪ કલાક મહાપ્રસાદ અને ઉતારાની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા

રાજકોટઃ શ્રી આપાગીગાના ઓટલા પર છેલ્‍લા ૧૪ વર્ષથી માનવસેવાનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર અઢારેય વરણના ભાવિકો અને યાત્રાળુઓ માટે ૨૪ કલાક મહાપ્રસાદ તેમજ વિશ્રામ (ઉતારા) ની વ્‍યવસ્‍થા અવિરતપણે પૂરી પાડવામાં આવી રહી છે. મહોત્‍સવમાં પણ હજારો ભાવિકોએ બે મિષ્ઠાન સાથેના મહાપ્રસાદનો લાભ લીધો હતો.

મહંતશ્રી નરેન્‍દ્રબાપુનો યુવાનોને પ્રેરણાદાયક સંદેશઃ વ્‍યસનમુક્‍ત બનો અને માતા-પિતાની સેવા કરો

રાજકોટઃગુરુપૂર્ણિમાના પાવન અવસરે મહંત શ્રી નરેન્‍દ્રબાપુએ સમાજને ખાસ અપીલ કરતા જણાવ્‍યું હતું કે, પ્રત્‍યેક વ્‍યક્‍તિએ પોતાના માતા-પિતાની વધુમાં વધુ સેવા કરવી જોઈએ. આ ઉપરાંત આજની યુવા પેઢીએ તમામ પ્રકારના વ્‍યસનોથી દૂર રહીને સામાજિક અને આધ્‍યાત્‍મિક જીવનમાં આગળ વધવું જોઈએ.

ગુરુનું શરીર સન્‍મુખ હોવું જરૂરી નથીઃ મનથી ધારણ

કરેલા ગુરુ પણ શિષ્‍યનું સદાય રક્ષણ કરે છે

રાજકોટઃગુરુમહિમા સમજાવતા શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું હતું કે, ગુરુ વિના જ્ઞાન અશક્‍ય છે. ગુરુને માત્ર તનથી જ નહીં, મનથી પણ ધારણ કરી શકાય છે. ગુરુના ભેખની અલૌકિક શક્‍તિ હંમેશા શિષ્‍યોનું રક્ષણ કરે છે અને અંતરના અંધકારને દૂર કરે છે. શ્રી જીવરાજબાપુથી શરૂ થયેલી સત્‍ય, ધર્મ, નૈતિકતા અને બ્રહ્મચર્યવ્રતની આ પરંપરા આજે પણ સંપૂર્ણ નિષ્ઠાથી જાળવવામાં આવી રહી છે.

(10:42 AM IST)