<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ધોરાજીનો ભાદર-૨ ડેમ ૭૦ ટકા ભરાતાં હાઈએલર્ટ : નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં અવરજવર પર સદંતર પ્રતિબંધ

ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના ભોળા, ડુમિયાણી તેમજ ભોગસર ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા તંત્રની સૂચના : રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના અસંખ્ય ગામોને ખાસ ચેતવણી સંદેશ જારી કરાયો

રાજકોટ, ૫ જુલાઈ: રાજકોટ જિલ્લા સહિત ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ જળાશય ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે વધતાં વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આ ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની સ્થિતિમાં છે. જેથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈએ પણ અવરજવર ન કરવા માટે ખાસ અને કડક સૂચના જારી કરવામાં આવી છે.
૩ ગામોના લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા આદેશ
ભાદર-૨ ડેમમાં પાણીની ભારે આવકને પગલે નીચાણવાળા વિસ્તારમાં આવતા ધોરાજી તાલુકાના ભોળા ગામ, કુતિયાણા તાલુકાના ભોગસર ગામ અને ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામના લોકોને કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળવા માટે તાત્કાલિક અસરથી પોતાના ઘરો ખાલી કરીને સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે.

*ત્રણ જિલ્લાના અનેક ગામો માટે ખાસ ચેતવણી:*
ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ભાદર નદીના પ્રવાહ વિસ્તારમાં આવતા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામોના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ (એલર્ટ) જારી કરવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબના ગામોનો સમાવેશ થાય છે:

ધોરાજી તાલુકો: ભલગામડા, છાડવાવદર અને સુપેડી.

ઉપલેટા તાલુકો: ડુમિયાણી, ચીખલિયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નીલખા, તલગણા અને ઉપલેટા શહેર/ગ્રામ્ય વિસ્તાર.

કુતિયાણા તાલુકો (પોરબંદર જીલ્લો): ભોગસર, બિલડી, ચૌટા, છાત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પાસવારી, રોઘડા, સેગરસ અને થપડા.

માણાવદર તાલુકો: ચિલોદરા, રોઘડા, વડાસડા અને વેકરી.

પોરબંદર તાલુકો: ચીકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંદર.

*ડેમમાં ૭૫૪ ક્યુસેક પાણીની આવક સતત ચાલુ:*
સિંચાઈ વિભાગના આંકડાઓ મુજબ, ભાદર-૨ ડેમની પૂર્ણ જળસપાટી (F.R.L.) ૫૩.૧ મીટરની છે, જેની સામે હાલ ડેમમાં પાણીનું સ્તર ૫૦.૩૫ ઘનમીટર પર પહોંચી ગયું છે. ડેમમાં હાલ પ્રવાહ ક્ષેત્રમાંથી ૭૫૪ ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) સતત થઈ રહી છે. પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી પૂર નિયંત્રણ કક્ષ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ ગામોના સરપંચો અને તલાટીઓને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.

(1:55 PM IST)