<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પાટણવાવના મોટી મારડ ગામની સીમનો વણશોધાયેલ ડબલ મર્ડર કેસ ઉકેલાયો : આરોપી સુરેશ કમલેશભાઈ બારીયા ઝડપાયો

ધોરાજી ડિવિઝનના મદદનિશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ અને જેતપુર DYSP આર.એ.ડોડીયાની સૂચનાથી પાંચ દિવસમાં ભેદ ઉકેલતી એલસીબી : ત્રણ વર્ષ જૂના એકતરફી પ્રેમસંબંધના બદલામાં લોખંડના પાઇપથી પતિ-પત્નીની ઘાતકી હત્યા કરાઈ હોવાની કબૂલાત

રાજકોટ, રવિવાર:રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી મારડ ગામની સીમમાં ગત તા.૧૪/૦૭/૨૦૨૬ના રોજ બનેલી મજૂર પતિ-પત્નીની સનસનાટીપૂર્ણ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ચકચારી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા ગુનો શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) દ્વારા તાત્કાલિક બનાવ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. ધોરાજી ડિવિઝનના મદદનિશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ (IPS) અને જેતપુર ડિવિઝનના DYSP આર.એ.ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા.

મોટી મારડ ગામની સીમમાં બનેલી ઘટનાનું મૂળ વર્ણન:આ ઘાતકી હત્યાકાંડ અંગે ફરિયાદી મથુરાભાઈ રામલાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે. ભેડીયા ફળીયા, તા. રાણાપુર, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ; હાલ રહે. બાવા ખાખરીયા, શૈલેષભાઈ પટેલની વાડીએ, તા. કાલાવડ, જી. જામનગર) દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, મથુરાભાઈ ચૌહાણના પુત્ર રોહિતના સસરા મોટી મારડ ગામની સીમમાં રમેશભાઈ ભૂતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે. તેઓ મધ્યપ્રદેશ ગયા હોવાથી ખેતરની દેખભાળ રાખવા માટે ફરિયાદીનો દીકરો રોહિત અને પુત્રવધુ દુર્ગા તા.૧૧/૦૭/૨૦૨૬ના રોજ ત્યાં આવ્યા હતા. તા.૧૩-૧૪/૦૭/૨૦૨૬ની રાત્રિ દરમિયાન બંને પતિ-પત્ની વાડીમાં કૂવાની બાજુમાં ખુલ્લામાં સૂતેલા હતા, ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ માથાના ભાગે મારક હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી બંનેનું મોત નીપજાવ્યું હતું. આ ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

એફએસએલ, ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ ટીમોનું સઘન સર્ચ ઓપરેશન:હત્યાની ઘટનાની જાણ થતાં જ વાડી માલિક દ્વારા પોલીસને વાકેફ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશોનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે LCB, SOG, FSL, Dog Squad તેમજ ટેકનિકલ અને સાયબર સેલની સંયુક્ત ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના ૫૦૦ મીટરના વિસ્તારને સંપૂર્ણ સ્કેન કરીને હથિયાર અને આરોપીઓના ફૂટપ્રિન્ટ્સ મેળવવા તપાસ કરી હતી. આ ઉપરાંત, ઘટનાસ્થળની આસપાસના ૫ કિલોમીટરના દાયરામાં રહેતા તમામ મજૂરો અને શંકાસ્પદ ઇસમોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ૧૦ કિલોમીટર વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. ટેકનિકલ ટીમ દ્વારા મૃતક પતિ-પત્નીના મોબાઈલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને મૃતક રોહિતનો મોબાઈલ ડિજિટલ પુરાવા એકત્ર કરવા FSL ખાતે મોકલાયો હતો.

પ્રેમસંબંધ નિષ્ફળ જતાં બદલો લેવા પાડોશી ભાગીયાએ હત્યા કર્યાની કબૂલાત:હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને સચોટ માહિતી મળી હતી કે, બનાવ સ્થળની પાડોશની વાડીમાં ભાગીયા તરીકે રહેતા સુરેશ કમલેશભાઈ બારીયાએ આ ગુનો આચર્યો છે. પોલીસે શંકાસ્પદ સુરેશ બારીયાને રાઉન્ડઅપ કરી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે, મૃતક દુર્ગા સાથે તેને છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ કૌટુંબિક સમીકરણોના કારણે દુર્ગાના લગ્ન રોહિત સાથે થઈ જતાં પોતાનો પ્રેમસંબંધ સફળ ન થતાં તે બદલો લેવા માંગતો હતો. ઘટનાના દિવસે આરોપી પાડોશીના ખેતરમાં દવા છાંટવા આવ્યો ત્યારે આ દંપતીને જોઈને તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રિના બાર વાગ્યાની આસપાસ લોખંડના મજબૂત પાઇપ વડે હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

હત્યારા આરોપીની અટકાયત અને કામગીરી કરનાર પોલીસ ટીમ:પોલીસે ૧૮ વર્ષીય હત્યારા આરોપી સુરેશ કમલેશભાઈ બારીયા (જાતે ભીલ, રહે. હાલ વાલા સીમડી ગામની સીમ, તા.જી. જૂનાગઢ, મૂળ રહે. મલેકપુર, તા. સિંગવડ, જી. દાહોદ) ને હાલ ડીટેઇન કરી અન્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ રાખી છે.
આ સફળ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય LCBના PI જે.પી.રાવ, PSI કે.એમ. ચાવડા, PSI એચ.સી.ગોહીલ, PSI આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડ તથા LCB અને પેરોલ ફર્લો શાખાનો સ્ટાફ સામેલ હતો. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય SOG શાખાના PI એફ.એ.પારગી, PSI જી.જે.ઝાલા તથા સ્ટાફના માણસો અને પાટણવાવ પોલીસ સ્ટેશનના PI વાય.એમ.ગોહિલ સહિતના સ્ટાફે આ વણશોધાયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.

(4:11 PM IST)