News of Friday, 26th June 2026
કોર્પોરેશન ભાઠે ભરાયુ : ૧૯ લાખનું પાણી-મંડપનું ચૂકવણુ તો થઇ ગયું
જંગલેશ્વર ડિમોલીશન ખર્ચકાંડ ‘ટોક ઓફ ધ ટાઉન' બન્યો : રોજેરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે : છુટકમાં રૂા. ૫માં મળતી મીનરલ પાણીની બોટલ મનપાએ રૂા. ૮માં જથ્થાબંધ ભાવે ખરીદીઃ મંડપ એજન્સી રેઇટ કોન્ટ્રાકટમાં હોય સીધુ ચૂકવણુ કરી દેવાયુ

રાજકોટ, તા.૨૬: મહાનગર પાલિકામાં જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન થયેલા ખર્ચને લઈને હવે નવા સવાલો ઉભા થયા છે. એક તરફ ડિમોલીશન દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટેના રૂ.૨૭.૨૦ લાખના ફૂડ સપ્લાયના બિલને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે બીજી તરફ મિનરલ વોટર અને મંડપ સર્વિસના લાખો રૂપિયાના બિલની ચુકવણી અગાઉથી જ થઈ જતાં કોર્પોરેશનની નાણાકીય કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
માહિતી મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં ૨૦થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાયેલા ડિમોલીશન દરમિયાન ફરજ પર રહેલા સ્ટાફ માટે ૨૦૦ એમએલની મિનરલ વોટરની બોટલો ખરીદવામાં આવી હતી. આヘુર્યની વાત એ છે કે સામાન્ય બજારમાં રૂ.૫માં સરળતાથી મળતી આ બોટલ કોર્પોરેશને રેટ કોન્ટ્રાક્ટ હેઠળ પ્રતિ બોટલ રૂ.૮ના ભાવે ખરીદી હોવાનું સામે આવ્યું છે. જથ્થાબંધ ખરીદીમાં સામાન્ય રીતે ભાવ ઓછો થતો હોય છે, પરંતુ અહીં ઊલટી સ્થિતિ જોવા મળતા ખર્ચની પારદર્શિતા અંગે સવાલો ઉઠ્યા છે.
આ પાણીના સપ્લાયનું અંદાજે રૂ.૧૨.૪૦ લાખનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ડિમોલીશન દરમિયાન શેઠ હાઈસ્કૂલ, શાળા નં.૭૦ અને વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ખાતે ઊભા કરાયેલા મંડપનું અંદાજે રૂ.૭ લાખનું બિલ પણ ચુકવી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે. આ બંને ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોર્પોરેશન દ્વારા ઉમિયા મંડપને વિવિધ સેવાઓ માટે રેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કરાર હેઠળ મિનરલ વોટર, મંડપ સહિત અંદાજે ૨૦૦ જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. રેટ કોન્ટ્રાક્ટના કારણે આવા બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવાની ફરજ રહેતી ન હોવાથી, આ જોગવાઈનો લાભ લઈને લાખો રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન થયેલા ફૂડ સપ્લાય, મિનરલ વોટર અને મંડપના ખર્ચને લઈને હવે કોર્પોરેશનના વહીવટ સામે અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ ખર્ચમાં કરકસરના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાણીની બોટલથી લઈને મંડપ સુધીના ખર્ચમાં મોટા તફાવતો સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
‘સ્ટાફને પાણી પણ મળ્યું
નહોતું': સંગઠનના કર્મચારી આગેવાનનો દાવો
કોર્પોરેશનના કર્મચારી સંગઠનના એક આગેવાને દાવો કર્યો છે કે જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન ફરજ પર રહેલા ઘણા કર્મચારીઓને પીવાનું પાણી, ચા કે જમવાની પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ નહોતી. આવા દાવાઓ વચ્ચે લાખો રૂપિયાના ફૂડ, મિનરલ વોટર અને મંડપના બિલોને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. (૩.૧૬)
કાજુ કતરી અને ખજૂર રોલનો ખર્ચ પત્રકારોના નામે ચડાવવાનો પ્રયાસ?
રાજકોટઃ જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન થયેલા રૂ.૨૭.૨૦ લાખના ફૂડ સપ્લાયના બિલમાં કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, ચા-કોફી સહિત રૂ.૩૪,૬૫૦ના ખર્ચ અંગે પણ સવાલો ઊભા થયા છે.
સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યા બાદ એવી ચર્ચા છે કે આ ખર્ચને પત્રકારો માટે કરવામાં આવ્યો હોવાનું દર્શાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.(૩.૧૬)
(3:51 PM IST)










