તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 5th June 2026
વોર્ડ નં.૧૬માં ડસ્ટબિન વિતરણ મુદ્દે વિવાદ
વોર્ડના કર્મચારીઓ ‘ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ડસ્ટબિન નથી' એવો ઉડાઉ જવાબ આપતા હોવાનો કોંગ્રેસ કોર્પોરેટરોનો આક્ષેપ

રાજકોટ, તા. ૫: શહેરના વોર્ડ નં. ૧૬માં પ્લાસ્ટિક ડસ્ટબિનના વિતરણને લઈને વિવાદ સર્જાયો છે. વિસ્તારના રહિશોએ આક્ષેપ કર્યો છે કે મકાન અને દુકાન વેરો ભરેલો હોવા છતાં છેલ્લા ૧૫ દિવસથી તેમને આરએમસી દ્વારા આપવામાં આવતી પ્લાસ્ટિક ડસ્ટબિન આપવામાં આવતી નહોતી અને વારંવાર ઓફિસના ધક્કા ખાવા પડતા હતા.
વિસ્તારના લોકોએ આ મુદ્દે વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટરો ઇબ્રાહીમભાઈ સોરા, દીપ્તીબેન સોલંકી અને સુરેશભાઈ ગરૈયાનો સંપર્ક કરી રજૂઆત કરી હતી. રહિશોનું કહેવું હતું કે તમામ જરૂરી વેરા ભર્યા હોવા છતાં ડસ્ટબિન મેળવવા માટે વારંવાર વોર્ડ કચેરીએ જવું પડે છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી.
કોર્પોરેટરોના જણાવ્યા મુજબ, તેમણે આ મુદ્દે આરએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે અધિકારીઓએ ‘ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી પ્લાસ્ટિક ડસ્ટબિનની સપ્લાય અને ઉપલબ્ધતા પર અસર પડી છે, તેથી હાલ ડસ્ટબિન આપી શકાય તેમ નથી' તેવો જવાબ આપ્યો હતો. કોર્પોરેટરોએ આ જવાબને બેદરકારીભર્યો અને ઉડાઉ ગણાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, રજૂઆતોને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. ૧૬ના પાત્ર લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે પ્લાસ્ટિક ડસ્ટબિનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી અટવાયેલો પ્રશ્ન ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી
(3:22 PM IST)










