News of Monday, 16th November 2026
કોંગ્રેસ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી : આદિવાસી સમાજના સંઘર્ષને યાદ કરાયો

રાજકોટ : આદિવાસી સમાજના અધિકારો, અસ્મિતા અને સ્વાભિમાન માટે અંગ્રેજ શાસન સામે બુલંદ અવાજ ઉઠાવનાર ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ઉપસ્થિત લોકોએ જનનાયક બિરસા મુંડાના જીવનકાર્યને નમન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાના ઐતિહાસિક યોગદાનને યાદ કરાયા હતા. તેમણે માત્ર અંગ્રેજ શાસન સામે જ સંઘર્ષ કર્યો નહોતો, પરંતુ આદિવાસી સમાજને પોતાના હક, જમીન, જળ, જંગલ અને અસ્મિતાની રક્ષા માટે સંગઠિત થવાની પ્રેરણા પણ આપી હતી. બિરસા મુંડાનું વ્યક્તિત્વ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અત્યંત નાની વયે તેમણે જે સાહસ, નેતળત્વ અને સંઘર્ષની મિસાલ સ્થાપિત કરી તે આજે પણ સામાજિક ન્યાય અને અધિકારો માટે કાર્યરત દરેક વ્યક્તિને પ્રેરણા આપે છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ બિરસા મુંડાના વિચારોને માત્ર સ્મરણ પૂરતા સીમિત ન રાખી, સમાજના વંચિત અને શોષિત વર્ગોના અધિકારો માટે સતત અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. જનનાયક બિરસા મુંડાની લડાયક વિરાસત અને વિચારોને કાયમ જીવંત રાખવાનો સંદેશ આ ઉજવણીના માધ્યમથી આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો.રાજદીપસિંહ જાડેજા સહિત ડી. પી મકવાણા, દિપ્તીબેન સોલંકી, રવિ જીતીયા, હરપાલસિંહ જાડેજા, મનિષાબેન રોજાસરા, ઇબ્રાહીમભાઇ સોરા, જયાબેન ચૌહાણ, નયનાબા જાડેજા, હબીબભાઈ કટારીયા, સુરેશભાઈ ગરૈયા, કુનાલ ચૌહાણ, આનંદ ભાઈ, પ્રવીણભાઈ રોજાસરા, સલીમભાઈ કારિયાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે.
(3:54 PM IST)










